14 May, 2026 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટ્રૉમ્બે વિસ્તારમાં રહેતી અને બેલાપુરની એક ખાનગી કંપનીમાં સફાઈ-કામદાર તરીકે કામ કરતી ૫૮ વર્ષની મહિલાને બેલાપુર રેલવે-સ્ટેશન પર વાતોમાં ભોળવીને બે ગઠિયા તેની આશરે અઢી લાખ રૂપિયાની ચેઇન તડફાવીને નાસી ગયા હતા. આ મામલે પનલેવ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. સોમવારે સાંજે ફરિયાદી મહિલા કામ પતાવીને બેલાપુર સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે બે જણે તેને પોતાની જાળમાં ફસાવી હતી. એમાંથી એક જણે રસ્તા પર પડેલું પર્સ બતાવીને ‘એમાં સોનાનું બિસ્કિટ છે’ એવી વાત કરી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો.
પનલેવ GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ મહિલાની નજર સામે નકલી સોનાના બદલામાં પોતાની વીંટી અને ચેઇન આપવાનું નાટક કરીને મહિલાને પણ પોતાની સોનાની ચેઇન આપવા દબાણ કર્યું હતું. આરોપીઓની વાતોમાં આવી જઈને મહિલાએ પોતાની પચીસ ગ્રામ વજનની અઢી લાખ રૂપિયાની સોનાની ચેઇન પેલા શખ્સોને આપી દીધી હતી. બદલામાં આરોપીઓએ તેને એક બિસ્કિટ આપ્યું હતું. જોકે મહિલા પ્લૅટફૉર્મ પર પહોંચી ત્યારે બિસ્કિટના વજન પરથી તેને શંકા ગઈ અને તપાસ કરતાં એ નકલી હોવાનું માલૂમ પડ્યું હતું. તે પાછી ઘટનાસ્થળે તપાસ કરવા ગઈ ત્યારે બન્ને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં બન્ને આરોપીની CCTV કૅમેરાનાં ફુટેજના આધારે શોધ શરૂ કરવામાં આવી છે.’