30 December, 2025 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેકાબૂ બનેલી બસ
ગઈ કાલે રાતે ભાંડુપમાં BEST બસનો ભયંકર અકસ્માત થયો હતો. સ્ટેશન-રોડ વિસ્તારમાં બસ રિવર્સ કરતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને મુસાફરોને ટક્કર મારી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા ૪ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું અને અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. રિવર્સ લેતી વખતે બસે ૧૨-૧૩ લોકોને અડફેટે લઈને કચડી નાખ્યા હોવાનું ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું.\
રાતે ૧૦ વાગ્યે સ્ટેશન-રોડ વિસ્તારમાં બસ-ડેપો પાસે જ આ ઘટના બની હતી. ઘટનાની માહિતી મળતાં ફાયર-બ્રિગેડ, લોકલ પોલીસ, બેસ્ટના કર્મચારીઓ અને ૧૦૮ ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. પોલીસે આ કેસમાં બસના ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે મૃત્યુ પામનારા ૪ જણમાંથી બે મહિલાઓ હતી. અકસ્માતમાં ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતના સમયે રેલવે-સ્ટેશન એરિયામાં લોકોની ભારે ભીડ હતી. બસની ટક્કરનો ભોગ બનનારા લોકો બસ પકડવા માટે જ લાઇનમાં ઊભા હતા. કેટલાક ફેરિયા પણ બસની અડફેટે આવી ગયા હતા. બસની ટક્કરને કારણે વીજળીનો એક થાંભલો પણ તૂટી ગયો હતો.
આ અકસ્માતનું મૂળ કારણ શું હતું, બસની બ્રેક ફેલ થઈ ગઈ કે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, કોઈ ટેક્નિકલ ખામી હતી કે કેમ એ વિશે પોલીસે તપાસ હાથ ધરી છે.