29 October, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કોલાબા ડેપોમાં BESTના કાફલામાં નવી ૧૫૭ ઇલેક્ટ્રિક બસને સામેલ કરી હતી અને એકનાથ શિંદે સાથે એમાં સવારી પણ કરી હતી. તસવીર : કીર્તિ સુર્વે પરાડે
મુંબઈગરાઓનો પ્રવાસ સેફ અને આરામદાયક થાય એ માટે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)દ્વારા નવી ૫૦૦૦ ઇલેક્ટ્રિક બસ લેવાનો નિર્ણય લેવાયો હતો એમાંની ૧૫૭ બસ ગઈ કાલે BESTના કાફલામાં સામેલ કરવામાં આવી હતી. કોલાબા ડેપોમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ૧૫૭ બસ કાફલામાં સામેલ કરી એનું લોકાર્પણ કર્યું હતું. મુંબઈના ૨૧ રૂટ પર આ બસ દોડશે અને એનાથી ૧.૯ લાખ જેટલા મુંબઈગરાઓને લાભ મળી શકશે.
દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે કહ્યું હતું કે ‘BESTની સેવા એક પ્રકારે લાઇફલાઇન જેવી જ છે. જો કર્મચારીઓ સંતુષ્ટ હશે તો સેવા પણ ઉત્તમ થશે એવું અમે માનનારા છીએ.’ આ નવી બસ ઇલેક્ટ્રિક બસ હોવાના કારણે પ્રદૂષણ પણ નહીં થાય અને પ્રવાસીઓને પણ આરામદાયક (એન્જિનની ઘરઘરાટી વગરનો) પ્રવાસ કરવા મળી શકશે. વળી આ બસમાં ચડતી કે ઊતરતી વખતે સિનિયર સિટિઝનો અને દિવ્યાંગોને અનુકૂળતા રહે એ માટે એમાં રૅમ્પની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ બસો ‘વેટ લીઝ’ પદ્ધતિથી સામેલ કરવામાં આવી છે. ૮૨ બસ ઓશિવરા ડેપો, ૩૩ બસ આણિક ડેપોને, ૧૧ બસ અને ૨૪ બસ ગોરાઈને ફાળવવામાં આવી છે. આ બસ સર્વિસિસ અંધેરી (વેસ્ટ), જોગેશ્વરી (વેસ્ટ), કુર્લા (ઈસ્ટ અને વેસ્ટ), બાંદરા (વેસ્ટ), કાંદિવલી (વેસ્ટ) અને બોરીવલી (વેસ્ટ) રૂટ પર દોડશે અને રેલવે-સ્ટેશન સાથે જોડશે. એ સિવાય આ બસો મેટ્રો 1, મેટ્રો 2A, મેટ્રો 7 અને મેટ્રો 3 ઍક્વા લાઇનનાં સ્ટેશનો સાથે જોડશે અને પ્રવાસીઓને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મળશે. અંદાજે ૧.૯ લાખ પ્રવાસીઓને આનો લાભ મળી શકશે.