18 June, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ટૂંક સમયમાં જ નવો વેગ મળશે. કેન્દ્ર સરકાર તરફથી મળનારા નવા ફન્ડિંગના સહારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ દ્વારા ૧૫૦૦ નવી ઍર-કન્ડિશન્ડ (AC) મિડી બસો ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુંબઈમાં મેટ્રો નેટવર્ક વિસ્તરી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને આ મિડી બસો મુખ્યત્વે મેટ્રો સ્ટેશનો માટે ફીડર સર્વિસ તરીકે દોડાવવામાં આવશે. યુનિયન મિનિસ્ટ્રી ઑફ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ બસો માટે સબસિડી પૂરી પાડવામાં આવશે. શહેરમાં વધુ બસોની તાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે જે વર્ષ ૨૦૨૭ સુધીમાં પોતાના કાફલાને ૭૦૦૦ બસો સુધી વિસ્તારવાના BESTના રોડમૅપનો જ એક ભાગ છે. આ પ્રસ્તાવિત બસોને ૧૨ વર્ષના વેટ લીઝ મૉડલ હેઠળ કાફલામાં સામેલ કરવામાં આવશે.
BESTની ૪૫૦૦ AC ઇલેક્ટ્રિક બસોના અત્યારના કૉન્ટ્રૅક્ટ ઉપરાંત આ નવી ખરીદી કરવામાં આવી રહી છે. કૉન્ટ્રૅક્ટમાંથી ૭૭૪ બસો અત્યાર સુધીમાં સેવામાં સામેલ થઈ ચૂકી છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં અંદાજે અન્ય ૩૭૦૦ બસો ઉમેરાય એવી અપેક્ષા છે.