19 May, 2026 09:09 AM IST | Mumbai | Rajendra B Aklekar
ગેટવે ઑફ ઇન્ડિયા નજીક આવેલાં બે બસ-સ્ટૉપમાંથી એડોમ સ્ટ્રીટ પર આવેલું એક બસ-સ્ટૉપ. (તસવીર:આશિષ રાજે )
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ને પત્ર લખીને ટ્રાફિક જૅમની સમસ્યા દૂર થાય એ માટે ગેટવે ઑફ ઇન્ડિયા નજીકના બસ-સ્ટૉપને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ચોકમાં શિફ્ટ કરવાનું સૂચન કર્યું હતું. જોકે BEST કમિટીએ આ સૂચન પ્રત્યે અણગમો વ્યક્ત કરીને વિરોધ કર્યો હતો.
BESTને મોકલાવેલા પત્રમાં રાહુલ નાર્વેકરે ગેટવે ઑફ ઇન્ડિયા નજીક આવેલાં બે બસ-સ્ટૉપ એક કિલોમીટર દૂર ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ચોક પાસે છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય નજીક શિફ્ટ કરવામાં આવે એવી ભલામણ કરી હતી. ગેટવે ઑફ ઇન્ડિયા ટૂરિસ્ટ સ્પૉટ હોવાથી ત્યાં ભારે ગિરદી હોય છે અને BESTની બસ ત્યાં ઊભી રહેતાં ટ્રાફિકની સમસ્યા થતી હોવાનું પત્રમાં જણાવાયું છે.
BESTનાં ચૅરપર્સન તૃષ્ણા વિશ્વાસરાવે જણાવ્યું હતું કે ‘BESTની બસ શહેરની લાઇફલાઇન છે અને ગેટવે ઑફ ઇન્ડિયા ભારત અને દેશનું આઇકૉનિક સ્મારક છે. BESTની બસ ટૂરિસ્ટ્સને દેખાવી જોઈએ. BESTની બસને ત્યાં જતી અટકાવવી અયોગ્ય છે. હું આ પ્રસ્તાવ પાછો મોકલાવું છું.’