31 December, 2025 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતગ્રસ્ત બસ અને પોલીસની કસ્ટડીમાં બસનો ડ્રાઇવર.
નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું, ‘ભાંડુપમાં થયેલા માર્ગ-અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ પર દુઃખ અને ઘાયલ થયેલા લોકો વહેલી તકે સ્વસ્થ થાય એવી પ્રાર્થના.’
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જીવ ગુમાવનારા લોકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરી ટ્વીટ કર્યું હતું જેમાં આ ઘટનાને ‘અત્યંત દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી હતી. નાણાકીય રાહતની જાહેરાત કરતાં તેમણે જીવ ગુમાવનારી દરેક વ્યક્તિના પરિવારજનને પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવાની સાથોસાથ જીવ ગુમાવનારા લોકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.
ભાંડુપ-વેસ્ટમાં રેલવે-સ્ટેશન નજીક સોમવારે રાતે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ (BEST)ની બસના ડ્રાઇવરે સ્ટીઅરિંગ પરનો કન્ટ્રોલ ગુમાવતાં ૧૪ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર જણનાં મૃત્યુ થયાં હતાં જ્યારે ૧૦ જણ ગંભીર જખમી થયા હતા. આ મુદ્દે ભાંડુપ પોલીસે સોમવારે મોડી રાતે બાવન વર્ષના બસ-ડ્રાઇવર સંતોષ સાવંત સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને BEST બે લાખ રૂપિયા આપશે અને આ કેસમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. એ ઉપરાંત પોલીસે પણ આ કેસમાં વિગતવાર તપાસ હાથ ધરી છે. બીજી બાજુ સ્થાનિક વેપારીઓએ સાંકડા રસ્તાઓ પર મોટી બસ ચલાવવામાં આવતી હોવાથી આ અકસ્માત થયો હોવાનો દાવો કર્યો છે.
અકસ્માત થયો એ બસના ડ્રાઇવર સંતોષ સાવંતે પોલીસ-તપાસમાં કહ્યું હતું કે બસની હૅન્ડબ્રેક ખરાબ હતી. પોલીસે હૅન્ડબ્રેક ચેક કરવાનું સૂચન કર્યું છે. એ ઉપરાંત પોલીસે નોંધ્યું હતું કે ડ્રાઇવર અકસ્માત બાદ ત્યાંથી ભાગી જવાને બદલે ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. ૨૦૦૮થી સંતોષ સાવંત કાયમી ડ્રાઇવર તરીકે BESTમાં કામ કરે છે. તેની પત્ની સંજનાએ ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે ‘૨૫ વર્ષથી ડ્રાઇવર તરીકે કામ કરતા સંતોષ સાવંતે આજ સુધી કોઈ અકસ્માત કર્યો નથી. જો તે કહે છે કે બ્રેકમાં ખામી હતી તો એ સાચું જ હશે અને એટલે જ અકસ્માત થયો હશે.’
ભાંડુપ સ્ટેશન વિસ્તારમાં રહેતા કીર્તિ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાંડુપ રેલવે-સ્ટેશન વિસ્તાર ખૂબ સાંકડો છે. સ્ટેશનની બહાર એક બાજુ રિક્ષા-સ્ટૅન્ડ છે અને બીજી બાજુ બસ-સ્ટૉપ છે. એ ઉપરાંત હૉકર્સ ભીડમાં વધારો કરે છે. પહેલાં સ્ટેશન-વિસ્તારમાં મિની બસ ચાલતી હતી, જ્યારે હાલમાં ૫૦-સીટર બસો ગિરદીવાળા વિસ્તારોમાં ચલાવવામાં આવે છે. આ અકસ્માત પાછળ જવાદાર તંત્ર છે, કારણ કે જે વિસ્તારમાં મિની બસ માંડ-માંડ ચાલે છે ત્યાં મોટી બસ કઈ રીતે ચલાવી શકાય? ભવિષ્યમાં આવા અકસ્માત ન થાય એ માટે અમે સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો BESTને પત્ર લખીને અમારા વિસ્તારમાં મિની બસ ચલાવવાની માગણી કરીશું.’
કોસ્ટલ રોડ પર ગઈ કાલે સવારે ૩ કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત થયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ મર્સિડીઝમાં મુંબઈ ઍરપોર્ટ જઈ રહેલા બિઝનેસમૅન અમિત સેઠની કારને પાછળ આવતી ટૅક્સીની ટક્કર લાગી હતી. એ ટૅક્સીની પાછળ બીજી ટૅક્સી પણ ભટકાતાં સળંગ ત્રણેય કારમાં જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માતને લીધે એક ટૅક્સી પલટી ખાઈ ગઈ હતી અને મર્સિડીઝ ડિવાઇડરને ભટકાઈ હતી. મર્સિડીઝમાં બેઠેલા બિઝનેસમૅનને ઈજા થતાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વાહનોને રસ્તા પરથી દૂર કરવામાં સમય લાગતાં કોસ્ટલ રોડ પર સવારે ટ્રાફિક-જૅમની સમસ્યા થઈ હતી.
ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના પર્વતીય ભીકિયાસૈન-વિનાયક રોડ પરથી રામનગર જઈ રહેલી એક બસ ગઈ કાલે કાબૂ ગુમાવીને ઊંડી ખીણમાં પડી જતાં ૭ મુસાફરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ૧૨ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસમાં કુલ ૧૯ લોકો મુસાફરી કરી રહ્યા હતા. મુશ્કેલ પર્વતીય ભૂપ્રદેશને કારણે બચાવ અને રાહત કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘાયલોને ખીણમાંથી બચાવવા અને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે.