18 November, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટક અને મેયર રિતુ તાવડે
ભાંડુપ (વેસ્ટ)માં આવેલી ગુજરાતી હિન્દુ સ્મશાનભૂમિમાં પાયાભૂત સુવિધાઓના અભાવ માટેની ફરિયાદો તથા વાયુપ્રદૂષણ ઘટે એવી ઊંચી ચીમની બેસાડવાની સ્થાનિકોની માગણી ધ્યાનમાં લઈને મુંબઈનાં મેયર રિતુ તાવડેએ સંબંધિત ખાતા અને અધિકારીઓને નાગરિકોની સમસ્યા દૂર કરવા અને તેમની માગણીઓ પૂરી કરવાની સૂચના આપી હતી. સ્મશાનભૂમિમાં અસ્વચ્છતા, મૂળભૂત સુવિધા ઉપરાંત ઊંચી ચીમની બેસાડવાનો નિર્દેશ આપીને સમયસર આ સમસ્યાઓનો નિકાલ કરવાનો નિર્દેશ ગઈ કાલે રિતુ તાવડેએ આપ્યો હતો. ગઈ કાલે રિતુ તાવડેની અધ્યક્ષતા હેઠળ ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટક સાથે S અને T વિભાગના વિવિધ વિષયો માટે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટકે ભાંડુપ (વેસ્ટ)માં ગુજરાતી હિન્દુ સ્મશાનભૂમિનો મદ્દો ઉઠાવ્યો હતો અને લોકોને આ સ્મશાનભૂમિમાં રહેલી અસુવિધાના કારણે સહન કરવી પડતી સમસ્યાઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આ સ્મશાનભૂમિ માટે સંબંધિત સંસ્થાએ સામાજિક કાર્ય અને સામાજિક જવાબદારી માનીને જમીન દાનમાં આપી હતી અને એનો ઉપયોગ લોકોને સુવિધા મળે તથા સાર્વજનિક હિત માટે થાય એવા હેતુએ આપી હતી. આ સ્મશાનભૂમિ માટે BMCએ ૨.૬૦ કરોડ રૂપિયાનું ભંડોળ અંદાજપત્રમાં નક્કી કર્યું હતું. જોકે સંસ્થા એમાંથી ફક્ત ૯૦ લાખ રૂપિયાના ભંડોળનો જ ઉપયોગ કરી શકે એવું ઠેરવવામાં આવ્યું છે જે યોગ્ય નથી. આ જમીન સંબંધિત સંસ્થાએ મફતમાં BMCને દાનમાં આપી હોવાનું BMCએ ધ્યાનમાં રાખવું જોઈએ. કોવિડ વખતે પણ આ સ્મશાનભૂમિમાં મોટી સંખ્યામાં અંતિમસંસ્કાર થયા હતા જેથી BMC સ્મશાનભૂમિમાં સ્વચ્છતા તથા પાયાભૂત સુવિધાઓ વગેરે બાબતોનું ધ્યાન રાખે એ જરૂરી છે.’