ભાઈંદરનાં મૅન્ગ્રોવ્ઝમાંથી મળેલા મૃતદેહના કેસમાં પોલીસે મેળવી સફળતા : ત્રણ મિત્રોની ધરપકડ

11 June, 2026 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવઘર પોલીસે તપાસ દરમ્યાન આસપાસના વિસ્તારોના ગુમ થયેલા લોકોના રેકૉર્ડ તપાસ્યા હતા જેમાં ૧ જૂને પચીસ વર્ષનો એક યુવક મિસિંગ હોવાની ફરિયાદ મળી આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદર-ઈસ્ટના સચિન તેન્ડુલકર મેદાન સામેનાં મૅન્ગ્રોવ્ઝની ઝાડીઓમાંથી પાંચમી જૂને મળી આવેલા એક અજાણ્યા મૃતદેહનો ભેદ ઉકેલવામાં નવઘર પોલીસે મોટી સફળતા મેળવી છે. પાંચમી જૂનની સાંજે ૬ વાગ્યે પોલીસને માહિતી મળતાં ફૉરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાંથી કોહવાઈ ગયેલી હાલતમાં ડેડ-બૉડી મળી આવી હતી. શરૂઆતમાં કોઈ પણ ઓળખપત્ર કે મોબાઇલ ફોન ન મળવાને કારણે અકસ્માત્ મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસે ટેક્નિકલ ડેટા ઍનૅલિસિસ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.

નવઘર પોલીસે તપાસ દરમ્યાન આસપાસના વિસ્તારોના ગુમ થયેલા લોકોના રેકૉર્ડ તપાસ્યા હતા જેમાં ૧ જૂને પચીસ વર્ષનો એક યુવક મિસિંગ હોવાની ફરિયાદ મળી આવી હતી. સાઇબર સેલની મદદ અને પરિવાર સાથે ફિઝિકલ વેરિફિકેશન કર્યા બાદ આ મૃતદેહ ગૌરવ બદસરનો હોવાનું કન્ફર્મ થયું હતું જે છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો. યુવકની હત્યા પાછળ અન્ય કોઈ નહીં પરંતુ તેના જ ત્રણ મિત્રો હોવાનું સામે આવ્યું છે જેમણે કાવતરું ઘડીને આ ક્રૂર હત્યાકાંડને અંજામ આપ્યો હતો. પોલીસે હવે આ મામલાને સત્તાવાર રીતે હત્યાના કેસમાં ફેરવીને ત્રણેય મિત્રોની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે. 

mumbai news mumbai bhayander mumbai police Crime News mumbai crime news murder case