ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી: છનાં મોત, અનેક લોકો કાટમાળમાં દટાયા હોવાની શંકા

31 July, 2026 11:26 AM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Bhiwandi building collapse: ભિવંડીમાં ચાર માળની રહેણાંક ઈમારતનો એક ભાગ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને ૬ પર પહોંચ્યો; કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે NDRF અને અન્ય બચાવ ટીમો દ્વારા શોધ અને રાહત કામગીરી ચાલુ

ઘટનાસ્થળે રાહતકાર્ય પુરજોષમાં ચાલી રહ્યું છે (તસવીર સૌજન્યઃ એએનઆઈ)

મહારાષ્ટ્ર (Maharashtra)ના ભિવંડી (Bhiwandi)માં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક ચાર માળની ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધીમાં, છ લોકોના મોત થયા છે. આ સિવાય અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.

અડધી રાત્રે ઈમારત ધરાશયી

ભિવંડીના ભંડારી કંપાઉન્ડમાં આવેલી ગંગારામ વાડીની અંદર આ ઈમારત (Bhiwandi building collapse) આવેલી છે. અડધી રાત્રે આ ઘટના બની હતી. લગભગ રાત્રે ૧૧.૩૦ વાગ્યે ઈમારત ધરાશયી થઈ હતી.

ભિવંડીમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે, તે દરમિયાન જ આ ચાર માળની ઈમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ઘટના સમયે લોકો પોતાના ઘરમાં ઊંઘી રહ્યા હતા. ઈમારત પડવાના જોરદાર અવાજથી આસપાસના લોકો જાગી ગયા હતા અને તેમણે તુરંત પોલીસ તથા પ્રશાસનને જાણ કરી હતી.

જોકે, આ દુર્ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન અને ઈમારત પડવાના ચોક્કસ કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. બનાવની જાણ થતાં જ પોલીસ (Mumbai Police), ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (Bhiwandi Nizampur City Municipal Corporation) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (National Disaster Response Force) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કાટમાળ નીચે ૮ થી ૧૦ લોકો દટાયા હોવાની આશંકા

પ્રાથમિક અહેવાલો મુજબ, અત્યાર સુધી છ લોકોનાં મોત થયા છે. કાટમાળ નીચે ૮ થી ૧૦ લોકો ફસાયેલા હોઈ શકે છે. જાણ થતાં જ ભિવંડી ફાયર બ્રિગેડ (Bhiwandi Fire Brigade), પોલીસ અને એનડીઆરએફ (NDRF) ની ટીમ પહોંચી ગઈ છે. કાટમાળમાં દટાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સ્થાનિક વહીવટીતંત્રે ઘટનાસ્થળની આસપાસ સુરક્ષા કોર્ડન કરી દીધું છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા તથા બચાવ કાર્યમાં અવરોધ ન ઊભો કરવા અપીલ કરી છે.

ઈમારતને અગાઉથી જર્જરિત જાહેર કરવામાં આવી હતી

ઘટના અંગે વધુ વિગતો આપતાં ભિવંડી પશ્ચિમના ધારાસભ્ય મહેશ ચોગુલેએ જણાવ્યું હતું કે, આ નારપોલી સ્થિત ભંડારી કંપાઉન્ડની કોહિનૂર બિલ્ડિંગ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઈમારતને અગાઉથી જ `C-કેટેગરી` (અત્યંત ખતરનાક અને જર્જરિત) જાહેર કરીને ખાલી કરાવી દીધી હતી. જોકે, બિલ્ડિંગ ખાલી હોવા છતાં કેટલાક મજૂરો ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી રહ્યા હતા. અનુમાન છે કે, કાટમાળ નીચે લગભગ ૬ થી ૭ મજૂરો ફસાયેલા હોઈ શકે છે.

NDRF એ મહિલાને સુરક્ષિત બહાર કાઢી

રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમને મોટી સફળતા મળી છે. ટીમ દ્વારા કાટમાળ નીચેથી એક મહિલાને જીવંત અને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બચાવ કામગીરી ચાલુ છે.

bhiwandi accident bhiwandi nizampur municipal corporation mumbai fire brigade mumbai police national disaster response force NDRF thane maharashtra news maharashtra