ભિવંડીમાં મૅન્ગ્રોવ્ઝ અને મીઠાના અગર પર બંધાયેલાં ૫૦ ગોદામો તોડી પડાયાં

07 February, 2026 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભિવંડી-થાણે રોડ પર કશેળી ફર્નિચર માર્કેટને અડીને આવેલા ખાડીકિનારે એ ગોદામો ઊભાં કરી દેવાયાં હતાં

ફાઇલ તસવીર

ગેરકાયદે અતિક્રમણ સામે મોટી કાર્યવાહીમાં મહેસૂલ વિભાગે બુધવારે ભિવંડીના કશેળી ગામમાં મૅન્ગ્રોવ્ઝ અને મીઠાના અગરની જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલાં પચાસ ગોદામો તોડી પાડ્યાં હતાં. આ કાર્યવાહી બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશો અનુસાર અને ભિવંડી તહસીલદાર અભિજિત ખોલેના નેતૃત્વમાં મહેસૂલ અધિકારીઓ અને નારપોલી પોલીસની મદદથી કરવામાં આવી હતી.

ભિવંડી-થાણે રોડ પર કશેળી ફર્નિચર માર્કેટને અડીને આવેલા ખાડીકિનારે એ ગોદામો ઊભાં કરી દેવાયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોદામો ગેરકાયદે બાંધવામાં આવ્યાં હતાં અને ફર્નિચર બનાવવા અને સ્ટોર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

ભારે મશીનરી, પોલીસ તહેનાત

આ ડિમોલિશન દરમ્યાન સ્થાનિકો દ્વારા વિરોધ થવાની શક્યતા હતી. એથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ-બંદોબસ્ત હેઠળ ૬ જેસીબી મશીનોનો ઉપયોગ કરીને ડિમોલિશન-ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમ્યાન સર્કલ ઑફિસર, તલાટી (ગ્રામ્ય મહેસૂલ અધિકારીઓ) અને નારપોલી પોલીસ-સ્ટેશનના કર્મચારીઓ સહિત મહેસૂલ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

bhiwandi bombay high court thane mumbai mumbai news