Bhiwandi Fire: ભિવંડીના ફર્નિચર વેરહાઉસ ખાક થઈ ગયા વિકરાળ આગમાં- ફાયરબ્રિગેડની ગાડીઓ થઈ દોડતી

19 March, 2026 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhiwandi Fire: મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારના ચામુંડા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અહીં ફર્નિચરના વેરહાઉસમાં આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા

આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. (તસવીર- વિડિઓગ્રેબ)

ભિવંડીમાં ભીષણ આગ (Bhiwandi Fire) લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારના ચામુંડા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અહીં ફર્નિચરના વેરહાઉસમાં આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તેઓએ અગ્નિશામક કામગીરી શરૂ કરી હતી.

પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (RDMC)ના જણાવ્યા અનુસાર આ ઘટના આજે ગુરુવારે સવારે લગભગ 11:30 કલાકે બની હતી. ભિવંડીમાં કાશેલી બ્રિજ નજીક સ્થિત ચામુંડા કોમ્પ્લેક્સમાં ફર્નિચરના વેરહાઉસમાં અચાનકથી આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગને કારણે ફર્નિચરથી ભરેલા વેરહાઉસમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

આગ ઓલવવાની કામગીરી શરૂ કરાઇ 

ફાયર વિભાગ (Bhiwandi Fire)ના અગ્નિશામકો બે ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે થાણે ફાયર વિભાગે આગને કાબૂમાં લેવામાં વધુ મદદ મળી રહે તે માટે એક જમ્બો વોટર ટેન્કર મોકલ્યું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ભિવંડી ફાયર કંટ્રોલ સેન્ટરે માહિતી આપી હતી કે અગ્નિશામક દળો આગને કાબૂમાં લેવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે. આ આગ એટલી ભીષણ હતી કે તેને બૂઝવવા માટે ભિવંડી, થાણે અને કલ્યાણના અગ્નિશામકો ઘટનાસ્થળે રવાના થયા હતા. 

ફર્નિચરને કારણે આગ વિકરાળ બની

વેરહાઉસમાં ફર્નિચરનો મોટો જથ્થો હોવાથી આ આગ (Bhiwandi Fire) વધુ વિકરાળ બની હતી. જેને કારણે આગ ઓલવવાની કામગીરીમાં ખૂબ અડચણો આવી રહી હતી એમ અધિકારીએ માહિતી આપી હતી. આ આગ ખૂબ જ વિકરાળ હોવા છતાં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આગમાં ઘણા ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. જોકે, આ આગ કયા કારણોસર લાગી એ બાબતે ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરી દીધા છે અને વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસ ચાલુ છે.

થાણેમાં ઇલેક્ટ્રિક કાર ભડકે બળી

ગઇકાલે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વાગલે એસ્ટેટ વિસ્તારમાં એક શોરૂમની બહાર કારમાં લાગેલી આગમાં એક ઇલેક્ટ્રિક વાહન બળીને ખાક (Bhiwandi Fire) થઈ ગયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈને ઇજા થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમો, આપત્તિ વ્યવસ્થાપન સ્ટાફ અને શોરૂમના કર્મચારીઓ સાથે મળીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા. આગને કારણે વાહનને વ્યાપક નુકસાન થયું હતું, જે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (આરડીએમસી) અનુસાર પરિસ્થિતિને થોડા જ સમયમાં નિયંત્રણમાં લેવામાં આવી હતી.

mumbai news mumbai mumbai fire brigade fire incident thane municipal corporation bhiwandi bhiwandi nizampur municipal corporation