પ્રેમી સાથે મળીને યુવતીએ પોતાના જ ઘરમાં કરી ૨૬ તોલા સોનાની ચોરી

10 March, 2026 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભિવંડીની ઘટનાઃ લગ્ન કરીને બન્ને પોલીસ-સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

ભિવંડીના શિવાજી ચોક નજીકના એક બિલ્ડિંગમાં રહેતી ૨૪ વર્ષની મારવાડી યુવતીએ પોતાના પ્રેમી અર્સલાન ખાન સાથે મળીને પોતાના જ ઘરમાંથી આશરે ૨૬ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે ભિવંડીના નિઝામપુરા પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરી છે અને આશરે ૩૯ લાખ રૂપિયાના દાગીના રિકવર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. ૬ માર્ચે યુવતી નોકરીએ જાઉં છું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ મોડી રાત સુધી ઘરે પાછી ન આવતાં તેના પરિવારજનોએ પોલીસ-સ્ટેશનમાં તેની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. તપાસના ભાગરૂપે પોલીસે યુવતી રહેતી હતી એ સોસાયટીના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં યુવતી એક યુવક સાથે પોતાના ઘરમાંથી મોટી બૅગ લઈને રિક્ષામાં જતી જોવા મળી હતી. ત્યાર બાદ વધુ તપાસ કરતાં યુવતી સાથે દેખાયેલો યુવક તેનો પ્રેમી હોવાનું સામે આવ્યું હતું.

તે યુવક કોણ છે એ જાણવા માટે પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ યુવતીના પરિવારના સભ્યોને બતાવ્યાં હતાં, પરંતુ તેઓ યુવકને ઓળખી શક્યા નહોતા. ત્યાર બાદ યુવતીના પિતાએ પોતાના ઘરમાં તપાસ કરતાં આશરે ૨૬ તોલા સોનાની ચોરી થયાની માહિતી મળ્યા પછી ફરિયાદ નોંધાવી હતી. ૮ માર્ચે યુવતી અને યુવક બન્ને લગ્ન કરીને પોલીસ-સ્ટેશન આવ્યાં ત્યારે પોલીસે બન્નેની ચોરીના ગુનાસર ધરપકડ કરી હતી.’

mumbai news mumbai bhiwandi mumbai police Crime News mumbai crime news