14 January, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સાથે ડી. એન. નગર પોલીસ.
ડી. એન. નગર પોલીસે મોટરસાઇકલ ચોરીના રૅકેટને તોડી પાડ્યું હતું. ૬-૭ મહિના પહેલાં અંધેરી-વેસ્ટમાંથી એક બાઇક ચોરાઈ ગઈ હતી. એનો કેસ ડી. એન. નગર પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. એ કેસની તપાસમાં પોલીસે સોમવારે બાઇક ચોરી કરતી એક ગૅન્ગને પકડી પાડી હતી. ડી. એન. નગર, જુહુ, ગોરેગામ, વર્સોવા વગેરે એરિયામાં મોટરસાઇકલોની ચોરી કરતા ૩ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવાથી મળેલા ઇનપુટ્સ અને ખબરીની મદદથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ ગૅન્ગ પાસેથી ચોરી થયેલી ૪૬ બાઇક પોલીસે રિકવર કરી હતી. મુંબઈનાં જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ૭ કેસ સાથે આ આરોપીઓ સંડોવાયેલા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. આ ગૅન્ગના બે આરોપીઓ ચોરી કરેલી મોટરસાઇકલ બહેરામબાગની એક વર્કશૉપમાં લઈ જતા હતા અને ત્યાં બાઇકના ભાગોને જુદા કરીને વેચી દેતા હતા. આ રૅકેટ મોટું હોવાની શંકા વ્યક્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.