28 February, 2026 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાઇક પર ડમ્પર ફરી વળતાં ભાર્ગવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ખારબાવમાં રહેતો ભાર્ગવ પાટીલ બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે જૈન મંદિર સામે એક પૂરઝડપે જઈ રહેલા ડમ્પરે તેને ટૂ-વ્હીલર સાથે કચડી નાખ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ભાર્ગવ પાટીલે રસ્તો ક્રૉસ કરી રહેલી એક મહિલા અને તેના બાળકને બચાવવાના પ્રયાસમાં બૅલૅન્સ ગુમાવતાં પૂરઝડપે આવી રહેલા ડમ્પરે તેને બાઇક સાથે કચડી નાખ્યો હતો. ભાર્ગવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના નજીકના CCTV કૅમેરામાં કેદ થઈ હતી અને એનાં ફુટેજ સામે આવ્યાં છે જે ઘટનાનો ભયાનક ક્રમ દર્શાવે છે.
સ્થાનિક રહેવાસીઓએ આરોપ કર્યો છે કે એ રસ્તા પર મોટા પાયે થયેલા અતિક્રમણને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે એને કારણે અવરોધ સર્જાય છે અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે. લોકોએ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં અને ભીડવાળા વિસ્તારમાં ભારે વાહનોની અવરજવરને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ સુધરાઈને દોષી ઠેરવી હતી.
એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે ‘આ માત્ર એક અકસ્માત નથી, એ મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેદરકારીનું પરિણામ છે. અતિક્રમણને કારણે રસ્તાની ઉપયોગી જગ્યા ઓછી થઈ ગઈ છે અને વારંવાર ફરિયાદો છતાં કોઈ કડક પગલાં લેવામાં આવ્યાં નથી.’