29 October, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહિલાને ગળામાં થયેલી ઈજા.
થાણે-વેસ્ટસ્થિત ઢોકાળી વિસ્તારમાં મંગળવારે રાત્રે ૯.૪૦ વાગ્યે ચેઇન-સ્નૅચિંગની ગંભીર ઘટના સામે આવી છે. TMCના માજિવડા-માનપાડા વૉર્ડ નજીક આવેલા ડૉ. ધીરજ ભાનુશાલીના ક્લિનિકની બહાર આ બનાવ બન્યો હતો. મેડિકલ સારવાર અર્થે આવેલી ૪૫ વર્ષની ગૃહિણીને નિશાન બનાવીને બુલેટ મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા બદમાશો તેમની સોનાની ચેઇન આંચકીને રફુચક્કર થઈ ગયા હતા. ચેઇન ખેંચવાની આ ઝપાઝપી દરમ્યાન મહિલા રસ્તા પર પછડાઈ હતી અને તેમના ગળાના ભાગે ઈજાનાં નિશાનો ઊપસી આવ્યાં હતાં.
આ બનાવ સંદર્ભે કાપુરબાવડી પોલીસે ૪૫ વર્ષની મહિલાની ફરિયાદના આધારે અજાણ્યા માણસો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરવા અને તેમનો પત્તો મેળવવા માટે પોલીસ દ્વારા ક્લિનિક અને આસપાસના વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ઝીણવટથી તપાસવામાં આવી રહ્યાં છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોએ પોલીસ-પૅટ્રોલિંગ વધારવાની માગણી કરી છે.