પાણી પહેલાં જ પાળ બાંધી લીધી પોલીસે

03 May, 2022 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગેરકાયદે લાઉડસ્પીકરો સામે ડબલ અવાજે હનુમાન ચાલીસા વગાડવાની આપવામાં આવેલી ચીમકીને પગલે મુંબઈમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન થઈ જાય એ માટે બીજેપી અને એમએનએસના પદાધિકારીઓને તડીપારની નોટિસ મોકલવામાં આવી છે

મહારાષ્ટ્રમાં નહીં, દેશભરમાં લાઉડસ્પીકરના મામલે જબરી બબાલ મચી છે અને ક્યાંક લાઉડસ્પીકર લાગી રહ્યાં છે તો ક્યાંકથી એને ઉતારી લેવાયાં છે. (તસવીર : પી.ટી.આઇ.)

એમએનએસની આવતી કાલથી મસ્જિદ પરનાં ગેરકાયદે લાઉડસ્પીકરો સામે ડબલ અવાજે હનુમાન ચાલીસા વગાડવાની ચીમકીને પગલે મુંબઈ સહિત રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે પોલીસે બીજેપી અને એમએનએસના કેટલાક પદાધિકારીઓ અને કાર્યકરોને પંદર દિવસ મુંબઈમાં પ્રવેશ ન કરવાની એટલે કે તડીપાર કરવાની નોટિસો મોકલી હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ પોલીસે બીજેપી અને એમએનએસના પદાધિકારીઓને મોકલેલી નોટિસમાં જણાવ્યું છે કે ‘શહેરમાં કાયદો અને વ્યવસ્થા કાયમ રહે એ જરૂરી છે. રમજાન ઈદ બાદ એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ મસ્જિદ અને મદરેસા પરનાં લાઉડસ્પીકરો નહીં હટાવાય તો ડબલ અવાજે હનુમાન ચાલીસા અને મહાઆરતી કરવાની ચીમકી ઉચ્ચારી છે. આવી સ્થિતિમાં શહેરમાં શાંતિ જળવાઈ રહે એ માટે તમે ૧૫ દિવસ સુધી શહેરની બહાર રહો એ જરૂરી છે. આથી ૧ મેથી ૧૭ મેની રાતના બાર વાગ્યા સુધીના ૧૫ દિવસ તમારા પર મુંબઈમાં પ્રવેશ કરવાની બંધી મૂકવામાં આવે છે. તમે આ નોટિસનો ભંગ કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’

બીજેપીના વરિષ્ઠ નેતા અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય ઍડ. આશિષ શેલારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજેપીના કેટલાક કાર્યકરોને ૧૫ દિવસ મુંબઈમાંથી તડીપાર કરવાની પોલીસે નોટિસ મોકલી છે એ ગેરકાનૂની, બિનજરૂરી, અન્યાયી અને ગેરબંધારણીય છે. જૉઇન્ટ પોલીસ કમિશનરને પત્ર લખીને આ નોટિસો તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માગણી અમે કરી છે. પોલીસના આ વલણનો અમે સખત વિરોધ કરીએ છીએ. પોલીસની આ હિલચાલ રાજ્ય સરકારની હતાશા જાહેર કરે છે.’

મુંબઈ પોલીસે જે ૪૦૦ પદાધિકારીઓને કલમ ૧૪૪ અને ૧૪૯ની નોટિસ મોકલી હતી. એમાં એમએનએસના શાખાપ્રમુખથી લઈને ટોચના નેતાઓને નોટિસ મોકલવામાં આવી હતી. મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે મુંબઈમાંના આશરે ૪૦૦ કાર્યકરોને નોટિસ આપવામાં આવી છે. એ સાથે બીજેપીના ૫૫થી ૬૦ કાર્યકરોને પણ નોટિસ આપવામાં આવી છે.

mumbai mumbai news maharashtra navnirman sena bharatiya janata party