23 November, 2025 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાએ શુક્રવારે મુંબઈ અને થાણે જિલ્લાની હોટેલોમાં ચૂંટણી પહેલાં અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના ઇલેક્શન માટેના પોતાના ઉમેદવારોને ભેગા કર્યા હતા. કોઈ ઉમેદવાર ફૂટી ન જાય અને સામેવાળા પક્ષને ફાયદો પહોંચાડવા માટે છેલ્લા દિવસે પોતાનું નામાંકન પાછું ન ખેંચી લે એટલા માટે આ હોટેલ-પૉલિટિક્સ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
BJPએ બુધવાર સાંજથી કેટલાક ઉમેદવારોને ડોમ્બિવલી અને મુંબઈની હોટેલોમાં મોકલ્યા હતા. બીજી તરફ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના ઉમેદવારોને ગુરુવારે થાણેની એક હોટેલમાં ભેગા કરવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે નામાંકન પાછાં ખેંચવાની અંતિમ તારીખ પૂરી થયા પછી બન્ને પાર્ટીએ પોતપોતાના ઉમેદવારોને અંબરનાથ પાછા મોકલ્યા હતા.
રાજ્ય સરકારમાં સાથી પક્ષો હોવા છતાં BJP અને શિવસેના અંબરનાથની ચૂંટણી સ્વતંત્ર રીતે લડી રહ્યાં છે. બન્ને પક્ષોમાં સ્થાનિક નેતાઓ અને ઉમેદવારોના પક્ષપલટાને કારણે ગરમાગરમી જામેલી છે. અંબરનાથના ઇલેક્શન માટે BJPના પાંચ ઉમેદવારોનાં નામાંકન પત્રો સ્ક્રૂટિનીમાં નકારી કાઢવામાં આવ્યાં હતાં, જેને કારણે BJP પહેલેથી જ મુશ્કેલીમાં છે. એવી સ્થિતિમાં વધુ કોઈ જોખમ ટાળવા માટે પાર્ટીએ એના ઉમેદવારોને હોટેલમાં પૂર્યા હોવાનું કહેવાય છે.