પહલગામમાં પિતાને ગુમાવનાર દીકરીને સરકારી મદદ હજી નથી મળી કહ્યું "વચન ક્યારે..."

16 February, 2026 07:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આશાવરીએ પોતાનું દુઃખ શૅર કર્યું. આશાવરીએ કહ્યું, "મારા પિતાના મૃત્યુ પછી, પરિવારની બચત ખતમ થઈ રહી છે. અમે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છીએ. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કાર્યાલયનો સંપર્ક કરવાથી ફક્ત ખાતરી મળે છે કે ફોલોઅપ ચાલુ છે."

આશાવરી જગદાલે

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને દસ મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ મહારાષ્ટ્રની એક દીકરીને હજી પણ ન્યાય અને પોતાના અધિકારો માટે રાહ જોવી પડી રહી છે. હુમલામાં શહીદ થયેલા સંતોષ જગદાલેની દીકરી આશાવરી જગદાલેનો આરોપ છે કે રાજ્ય સરકારે સરકારી નોકરીનું વચન આપ્યું હતું તે હજી સુધી પૂર્ણ થયું નથી. ગયા વર્ષે 22 એપ્રિલે આતંકવાદીઓએ પહલગામ ખીણમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં સંતોષ જગદાલે સહિત મહારાષ્ટ્રના છ લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ, સરકારે અસરગ્રસ્ત પરિવારોને રૂ. 50 લાખની નાણાકીય સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. મીડિયા સાથે વાત કરતી વખતે આશાવરીએ પોતાનું દુઃખ શૅર કર્યું. આશાવરીએ કહ્યું, "મારા પિતાના મૃત્યુ પછી, પરિવારની બચત ખતમ થઈ રહી છે. અમે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છીએ. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કાર્યાલયનો સંપર્ક કરવાથી ફક્ત ખાતરી મળે છે કે ફોલોઅપ ચાલુ છે." રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણીએ પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.

ભાજપનું આશ્વાસન: ટૂંક સમયમાં વચનો પૂર્ણ કરવામાં આવશે

આ મુદ્દો ગરમાયા પછી, મહારાષ્ટ્ર ભાજપના મીડિયા ઇન્ચાર્જ નવનાથ બાને કહ્યું કે તેઓ આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે વ્યક્તિગત રીતે વાત કરશે. CM ફડણવીસને ‘સંવેદનશીલ નેતા’ ગણાવતા તેમણે ઝડપી ન્યાયની ખાતરી આપી. પત્રકારો સાથે વાત કરતા નવનાથ બાને કહ્યું, "ભાજપનો વલણ જગદાલે પરિવાર અને આતંકવાદી હુમલાથી પ્રભાવિત અન્ય પરિવારોને ટેકો આપવાનો છે. હું ખાતરી આપું છું કે હું આ મામલો મુખ્ય પ્રધાન અને રાજ્ય પક્ષના નેતૃત્વ સમક્ષ વ્યક્તિગત રીતે ઉઠાવીશ."

પહલગામ અટૅકના ૨૩૭ દિવસ પછી ૧૫૯૭ પાનાંની ચાર્જશીટ તૈયાર

એપ્રિલ મહિનામાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ૨૩૭ દિવસ પછી ગઈ કાલે ચાર્જશીટ ફાઇલ કરી હતી. NIAએ જમ્મુમાં સ્પેશ્યલ કોર્ટમાં દાખલ કરેલી ૧૬૯૭ પાનાંની ચાર્જશીટમાં ૭ આતંકવાદીઓ વિરુદ્ધ આરોપો દાખલ કરવામાં આવ્યા છે. એમાં લશ્કર-એ-તય્યબા (LeT) અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના સભ્યો છે. આરોપપત્રમાં પાકિસ્તાનના ષડ‍્યંત્ર, આરોપીઓની ભૂમિકા અને તેમની સાથે જોડાયેલા સહાયક પુરાવાઓનું વિસ્તૃત વિવરણ આપ્યું છે. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તૈયાર કરેલા રિપોર્ટમાં કમાન્ડર સાજિદ જટ્ટનું નામ પણ છે જે પાકિસ્તાનમાં લશ્કર-એ-તય્યબા (LeT)નો ઑપરેશન ચીફ છે. NIAએ તેના માટે ૧૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. સૂત્રોના કહેવા મુજબ સાજિદને જ પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે. તે સૈફુલ્લાહ, નોમી, નુમાન, લંગડા, અલી સાજિદ, ઉસ્માન હબીબ અને શાની જેવાં નામોથી પણ જાણીતો છે અને પાકિસ્તાનના કસૌર જિલ્લામાં તેનો અડ્ડો છે. તેનું અસલી નામ હબીબુલ્લાહ મલિક છે.

Pahalgam Terror Attack maharashtra government devendra fadnavis bharatiya janata party maharashtra news maharashtra