13 January, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિવારની રૅલીમાં BJPના સ્થાનિક વિધાનસભ્ય કૅપ્ટન આર. તામિલ સેલવાન, અનેક સમાજસંસ્થાના આગેવાનો અને જુસ્સાભેર કલ્પેશા કોઠારી સાથે વિવિધ સમાજની મહિલાઓ તેમ જ સિનિયર સિટિઝનો.
માટુંગાના વૉર્ડ-નંબર ૧૭૭નાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ઉમેદવાર કલ્પેશા જેસલ કોઠારી ૨૦૦૯થી તેમના પતિ જેસલ કોઠારી સાથે સામાજિક ક્ષેત્રે કાર્યરત છે. તેમનાં કાર્યોની સરાહના કરતાં સ્થાનિક રહેવાસીઓ કહે છે, ‘કોવિડની મહામારીના કપરા કાળમાં જેસલ કોઠારી સાથે કલ્પેશા કોઠારી પણ દરદીઓની સારવાર અને તેમના માટે હૉસ્પિટલમાં ઍડ્મિશનની વ્યવસ્થા કરવા માટે મેદાનમાં ઊતર્યાં હતાં. કોવિડના દરદીઓ માટે ઇન્જેક્શનની જરૂરિયાત સમયે પણ તેઓ મહિનાઓ સુધી ખંતથી સહાયરૂપ થતાં હતાં. ફૂડ-પૅકેટ, દવા અને અનાજના વિતરણમાં પણ તેઓ મોખરે રહ્યાં હતાં.’
એને પરિણામે રવિવારની તેમની મહારૅલીમાં સંસદસભ્ય કાલિદાસ કોળંબકર, BJPના સ્થાનિક વિધાનસભ્ય કૅપ્ટન આર. તામિલ સેલવાન, માટુંગાના કચ્છી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન અને અન્ય સમાજના આગેવાનો સહિત સ્થાનિક રહેવાસીઓમાં મુખ્યત્વે યુવાન અને સિનિયર સિટિઝન મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. BJPના કાર્યકરો કહે છે કે આ જ દર્શાવે છે કે કલ્પેશા કોઠારી છેલ્લાં ૧૭ વર્ષથી સામાજિક ક્ષેત્રે સક્રિય છે અને લોકોના દિલમાં વસેલાં છે અને તેઓ તેમના વિરોધી ઉમેદવારોને માત કરીને વિજય તરફ આગેકૂચ કરી રહ્યાં છે.
રૅલી પછી મહિલાઓ સાથે વાતચીત કરતાં મહિલા સશક્તીકરણનાં હિમાયતી કલ્પેશા કોઠારીએ મહાયુતિના મૅનિફેસ્ટોની માહિતી આપતાં કહ્યું હતું કે ‘માટુંગાની મહિલાઓના પ્રશ્નો જેમ કે સુરક્ષા, રોજગાર અને આરોગ્ય માટે મહાયુતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓ અમલમાં લાવવાની મારી પ્રતિબદ્ધતા છે. સ્વયંસહાય ગ્રુપો અને કૌશલ્ય-વિકાસ દ્વારા માટુંગાની મહિલાઓને આત્મનિર્ભર કરવાનો મારો સંકલ્પ છે. મારું માટુંગા સ્વચ્છ અને સુંદર બનાવીને મુંબઈનું એક નજરાણું બને એ માટે માટુંગામાં માટુંગાના રહેવાસીઓ અને બાળકો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રવાસીઓ ભીડભાડથી દૂર રહીને મુસાફરી કરી શકે એ માટે બેસ્ટની બસોની સુવિધાઓ માટુંગામાં વધે એ માટે રજૂઆત કરવામાં આવશે. સ્વચ્છ, સુરક્ષિત અને સારી ગુણવત્તાના રસ્તા અને ફુટપાથ; વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવવા યોગ્ય આયોજન; કચરા વ્યવસ્થાપન અને સ્થાનિક સ્વચ્છતામાં સુધારો; સિનિયર સિટિઝનો, મહિલાઓ અને યુવાનો માટે ખાસ સુવિધાઓ; વધુ જાહેર શૌચાલયો અને હરિયાળા બગીચાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.’