હૈં તૈયાર હમ

26 January, 2022 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપના તમામ મોટા નેતાઓની મળેલી બેઠકમાં મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં શિવસેનાને ચીત કરવાની યોજના બનાવવાની સાથે લીધો સંકલ્પ

મુંબઈમાં કમળ ખીલવવાના સંકલ્પની બેઠકમાં સામેલ થયેલા બીજેપીના નેતાઓ

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થવાની શક્યતા છે ત્યારે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગ્યા છે. બીજેપીએ પણ તૈયારીના ભાગરૂપે ગઈ કાલે વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે મૅરથૉન બેઠક યોજી હતી, જેમાં પક્ષના તમામ મોટા નેતાઓ હાજર હતા. તેમણે બેઠકમાં શિવસેનાને મુંબઈ મહાનગરપાલિકામાં ચીત કરીને બીજેપીના મેયર બેસાડવાનો સંકલ્પ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બીજેપીના વરિષ્ઠ નેતા અને વિધાનસભ્ય આશિષ શેલારે પક્ષના નેતાઓની બેઠક વિશે માહિતી આપી હતી કે બીજેપીના મુંબઈના મુખ્ય પદાધિકારીઓ, સંસદસભ્યો, વિધાનસભ્યોની વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મુંબઈ બીજેપીના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. સત્તાધારી પક્ષને ચીત કરવા માટે મુંબઈની જનતાની મનની ઇચ્છા પૂરી કરવા માટેનો નક્કર કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. બેઠકમાં ફરી એક વખત નવા જોશથી મુંબઈ મહાનગરપાલિકામાં બીજેપીનું કમળ ખીલવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
આશિષ શેલારે કહ્યું હતું કે ‘મુંબઈ સુધરાઈની ચૂંટણી એના સમયે જ થવી જોઈએ, એ ન થાય તો એની પાછળ કારણ શું એ બાબતની જ્યાં સુધી સ્પષ્ટતા મુંબઈગરાઓ અને અમારી સમક્ષ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ બાબતે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી, પણ સામાન્ય અને કાયદાકીય રીતે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એની મુદત સમયે થવી જોઈએ. ચૂંટણી સમયસર ન યોજાય એ માટે સુધરાઈ દરેક પગલું મોડેથી લઈ રહી હોવાથી શંકા ઊપજે છે.’

mumbai mumbai news bharatiya janata party shiv sena brihanmumbai municipal corporation devendra fadnavis