જે લોકો લાઉડસ્પીકર હટાવી નથી શકતા તેઓ કહે છે કે અમે બાબરી મસ્જિદ પાડેલી

02 May, 2022 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બીજેપીના કાર્યકરોને સંબોધતાં દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને આવો ટોણો મારીને કહ્યું કે તમારા નેતાઓ જેલમાં જાય છે ત્યારે મહારાષ્ટ્રનું નામ બદનામ થાય છે, એને બટ્ટો લાગે છે

દેવેન્દ્ર ફડણવીસ

ઘણા લોકોને ભ્રમ છે અને ઘણાને ગેરસમજ છે કે તેમનું સન્માન એટલે મહારાષ્ટ્ર કે તેઓ એટલે મહારાષ્ટ્ર, તેઓ એટલે મરાઠી. જોકે તેમણે આ ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે. ૧૮ પગડ જાતિઓના ૧૨ કરોડ લોકોથી જે રાજ્ય સમૃદ્ધ બન્યું એ છે મહારાષ્ટ્ર. તેમને હું વારંવાર કહું છું કે તમે મહારાષ્ટ્ર નથી, તમે મરાઠી પણ નથી.

ગઈ કાલે ચૂનાભઠ્ઠીના સોમૈયા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં મુંબઈ મહાનગરપાલિકાના ઇલેક્શન પહેલાં યોજાયેલી પ્રચારની બૂસ્ટર સભામાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને આવો ટોણો માર્યો હતો.

દેવેન્દ્ર ફડણવીસે હિન્દુત્વના મુદ્દે શિવસેનાને આડે હાથ લેતાં કહ્યું હતું કે ‘આજે એમ કહેવાનો સમય આવી ગયો છે કે તમે એટલે હિન્દુ નહીં, પણ હું એમ કહીશ નહીં. એમ કહીને હું હિન્દુઓની સંખ્યા ઘટાડવા માગતો નથી. તમે એટલે હિન્દુત્વ નહીં. હિન્દુત્વ એક એવી વ્યાખ્યા છે, એક એવી જીવનપદ્ધતિ છે જેના માધ્યમથી સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિ દ્વારા જીવનનો માર્ગ શીખવવામાં આવ્યો છે. તમે જ્યારે ભ્રષ્ટાચાર કરો છો, જ્યારે તમારા નેતાઓ જેલમાં જાય છે ત્યારે મહારાષ્ટ્રનું નામ બદનામ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનું નામ ખરાબ થાય છે, તમારે લીધે મહારાષ્ટ્રને બટ્ટો લાગે છે.

બાબરી મસ્જિદ પર બોલતાં દેવેન્દ્ર ફડણવીસે કટાક્ષમાં કહ્યું હતું કે ‘જે લોકો મસ્જિદ પરથી લાઉડસ્પીકર હટાવી શકતા નથી, એમાં જે ડરી રહ્યાં છે તે લોકો કહે છે કે અમે બાબરી મસ્જિદ પાડેલી. આ લોકો મને પૂછે છે કે બાબરી મસ્જિદ ધ્વંસ કરવામાં આવી ત્યારે તમે ક્યાં હતા? હું એને મસ્જિદ માનતો નથી. તે એક ઢાંચો હતો. એ ઢાંચાને તોડવામાં આવ્યો ત્યારે હું ત્યાં હતો.’

શિવસેનાને આવો સણસણતો જવાબ આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હું એ જગ્યાએ રામમંદિર બને એ માટે ૧૮ દિવસ સેન્ટ્રલ જેલમાં ગયો હતો. જે લોકો દ્વારા આ ઢાંચાને પાડવામાં આવ્યો એ લોકોમાં મહારાષ્ટ્રનો એક પણ નેતા નહોતો. જે ૩૨ જણ પર કેસ ચાલ્યો હતો એ બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા.’

રાજકીય પક્ષનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે ‘એમાં એક પણ નેતા નહોતો. યાદ રાખજો કે આ ઢાંચો કારસેવકોએ પાડ્યો હતો.’ 

mumbai mumbai news shiv sena bharatiya janata party babri masjid devendra fadnavis