મુંબઈ એ મહારાષ્ટ્ર-સિટી નહીં, ઇન્ટરનૅશનલ સિટી છે એવું બોલીને ફસાયા BJPના નેતા કે. અન્નામલાઈ

11 January, 2026 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસ પાસે માગણી કરી હતી કે અન્નામલાઈ સામે કેસ દાખલ કરવો જોઈએ.

નેતા કે. અન્નામલાઈ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શનના પ્રચાર માટે તામિલનાડુથી મુંબઈ આવેલા BJPના નેતા કે. અન્નામલાઈએ આપેલા એક નિવેદનને કારણે હોબાળો મચ્યો હતો.
તામિલનાડુ-BJPના ઉપાધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું હતું કે ‘મુંબઈનું સંચાલન કરવા માટે BMCમાં યોગ્ય લોકો હોય એ ખૂબ જરૂરી છે. મુંબઈ એ મહારાષ્ટ્ર-સિટી નથી, ઇન્ટરનૅશનલ સિટી છે. કેન્દ્ર સરકારમાં મોદીજી, રાજ્ય સરકારમાં દેવેન્દ્રજી અને હવે મુંબઈમાં BJPનો મેયર હશે. આ જરૂરી છે, કારણ કે મુંબઈનું બજેટ ૭૫,૦૦૦ કરોડ રૂપિયા છે જે નાનો આંકડો ન કહેવાય. ફાઇનૅન્સ મૅનેજ કરવા માટે ઍડ્‍મિનિસ્ટ્રેશનમાં સારા માણસોની જરૂર પડે છે.’

જોકે અન્નામલાઈના આ નિવેદનને કારણે વિરોધ પક્ષના અનેક નેતાઓએ હોબાળો મચાવ્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસ પાસે માગણી કરી હતી કે અન્નામલાઈ સામે કેસ દાખલ કરવો જોઈએ. શિવસેનાના સંજય રાઉતે દાવો કર્યો છે કે ‘અન્નામલાઈએ ૧૦૬ હુતાત્માઓનું અપમાન કર્યું છે. તેમની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને તેમને મહારાષ્ટ્રની બહાર જવા ન દેવા જોઈએ.’

mumbai news mumbai bharatiya janata party brihanmumbai municipal corporation political news