સોસાયટીની અંદર બકરી ઈદની કુરબાનીની પરમિશન માગતા પત્ર પર BJPના નેતાની સહી

31 May, 2026 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરના બહુચર્ચિત સાગર પાર્કની ઘટના : કિરીટ સોમૈયાએ વ્યક્ત કર્યો જોરદાર વિરોધ, એની સામે સાગર પાર્કની ૩ વિંગના સેક્રેટરી અને BJPના ઈશાન મુંબઈના જિલ્લા મહામંત્રી ચંદ્રકાંત માલકરે આપી સફાઈ

ઈશાન મુંબઈના જિલ્લા મહામંત્રી ચંદ્રકાંત માલકર.

ઘાટકોપર-વેસ્ટના અમૃતનગરમાં આવેલી સાગર પાર્ક સોસાયટીમાં બકરી ઈદ નિમિત્તે સોસાયટીના પરિસરમાં કુરબાની આપવાને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયા સહિત અન્ય કેટલાક પદાધિકારીઓ સોસાયટીઓમાં કુરબાની આપવાનો ઉગ્ર વિરોધ કરતા જોવા મળ્યા હતા. જોકે આ સમગ્ર વિવાદમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. કુરબાની માટે પત્ર દ્વારા સત્તાવાર પરવાનગી BMC પાસે માગવામાં આવી હતી એ પત્ર પર સોસાયટીના સેક્રેટરીની સહી હતી. આ સેક્રેટરી અન્ય કોઈ નહીં પણ BJPના જ ઈશાન મુંબઈના જિલ્લા મહામંત્રી ચંદ્રકાંત માલકર છે. એક તરફ પક્ષના સિનિયર નેતાઓ કુરબાનીનો વિરોધ કરતા જોવા મળ્યા હતા, ત્યારે બીજી તરફ પક્ષના જ એક જવાબદાર હોદ્દેદારે કુરબાની માટે પરવાનગી આપતો પત્ર જાહેર કરતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બીજી તરફ ચંદ્રકાંત માલકરે ભૂલથી સહી કરી હોવાનો ખુલાસો આપ્યો છે.

કિરીટ સોમૈયાએ ભારે નારાજગી વ્યક્ત કરી
આ બાબત સામે આવ્યા બાદ BJPના નેતા કિરીટ સોમૈયાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ મામલે પક્ષના જ નેતા ચંદ્રકાંત માલકર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે અને તેમને એક પત્ર લખીને આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. કિરીટ સોમૈયાની નારાજગી બાદ BJPનું સંગઠન પણ ઍક્શનમાં આવ્યું છે. BJPના ઈશાન મુંબઈના જિલ્લાધ્યક્ષ દીપક દળવીએ આ આખી ઘટનાને ગંભીરતાથી લઈને મહામંત્રી ચંદ્રકાંત માલકર પાસે આ અંગે સત્તાવાર રીતે ખુલાસો માગ્યો છે.

શું કહેવું છે ચંદ્રકાંત માલકરનું?
ઈશાન મુંબઈના જિલ્લા મહામંત્રી ચંદ્રકાંત માલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાગર પાર્ક સોસાયટીની ૩ વિંગનો હું સેક્રેટરી છું. છેલ્લા કેટલાક વખતથી સોસાયટીના પત્રો પર મારે સહી કરવાની હોય છે. પરવાનગીનો પેપર મારી પાસે સહી કરાવવામાં આવ્યો એ સમયે હું કોર્ટમાં જવા નીકળ્યો હતો અને થોડો જલદીમાં હતો. એ સમયે અન્ય પેપરો સાથે મેં એ પેપર પર પણ સહી કરી દીધી હતી. મારા ધ્યાનમાં આ પત્ર પર સહી કરી હોવાનું આવ્યું ત્યારે મેં તાત્કાલિક BMCની ઑફિસમાં જઈને મારો ખુલાસો આપી દીધો હતો.’

mumbai news mumbai kirit somaiya ghatkopar bakri eid political news bhartiya janta party bjp bharatiya janata party brihanmumbai municipal corporation