એકનાથ શિંદે સાથે બીજેપીની એનસીપીવાળી

11 August, 2022 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅબિનેટમાં સમાન ભાગીદારી છતાં એકનાથ શિંદે જૂથ કરતાં બીજેપીના પ્રધાનોને ૨૮ ટકા વધુ ભંડોળ મળશે : સરકારમાં કૅબિનેટ પ્રધાનોને ફાળવવામાં આવેલાં ખાતાંના બજેટ મુજબ બીજેપીને ૧,૧૩,૩૦૧ હજાર કરોડ તો એકનાથ શિંદે જૂથને ૮૧,૭૩૪ હજાર કરોડ ફાળવવામાં આવશે

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ ૪૦ દિવસે મંગળવારે સરકારના પ્રધાનમંડળનું પહેલું વિસ્તરણ થયું હતું. એમાં બંને જૂથના ૯-૯ વિધાનસભ્યોએ કૅબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. શપથ બાદ ગઈ કાલે આ પ્રધાનોને ખાતાંની વહેંચણી કરવામાં આવી હતી. પ્રધાનોની સંખ્યા ભલે બંને પક્ષે સરખી હોય, પરંતુ બજેટની તુલનામાં એકનાથ શિંદે જૂથ કરતાં બીજેપીને ૨૮ ટકા વધુ ફન્ડ તેમને ફાળવવામાં આવેલા મંત્રાલય મુજબ મળશે.

બીજેપીના પ્રધાનોની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસને ગૃહ અને વાણિજ્ય મંત્રાલય, ચંદ્રકાંત પાટીલને સાર્વજનિક બાંધકામ, સુધીર મુનગંટીવારને ઊર્જા અને વનવિભાગ, રાધાકૃષ્ણ વિખે પાટીલને મહેસૂલ અને સહકાર, વિજયકુમાર ગાવિતને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જમાત અને અન્ય પછાત વર્ગનો કલ્યાણ વિભાગ, ગિરીશ મહાજનને જળસંસાધન, સુરેશ ખાડેને સામાજિક ન્યાય, રવીન્દ્ર ચવાણને ગૃહનિર્માણ, અતુલ સાવેને આરોગ્ય અને મંગલ પ્રભાત લોઢાને કાયદો અને ન્યાય મંત્રાલય ફાળવવામાં આવ્યાં છે.

એકનાથ શિંદે જૂથની વાત કરીએ તો એકનાથ શિંદેને નગરવિકાસ, ગુલાબરાવ પાટીલને પાણીપુરવઠો અને સ્વચ્છતા, દાદા ભુસેને ખેતી અને સંબંધિત વિભાગ, સંજય રાઠોડને ગ્રામ વિકાસ, સંદીપાન ભુમરેને રોજગાર, ઉદય સામંતને ઉદ્યોગ, તાનાજી સાવંતને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, અબ્દુલ સત્તારને અલ્પસંખ્યક વિકાસ, દીપક કેસરકરને પર્યટન અને પર્યાવરણ અને શંભુરાજ દેસાઈને ઉત્પાદન શુલ્ક મંત્રાલય ફાળવવામાં આવ્યાં છે.

રાજ્ય સરકારના આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી ફાળવણી મુજબ બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ સહિતના ૧૦ પ્રધાનોને ૧,૧૩,૩૦૧.૪૩ હજાર કરોડ રૂપિયા મળશે, જ્યારે એકનાથ શિંદે જૂથમાં તેમના સહિત ૧૦ પ્રધાનોને ૮૧,૭૩૪.૪૫ હજાર કરોડ રૂપિયા મળશે. બંને જૂથના સમાન પ્રધાનો હોવા છતાં તેમને ફાળવવામાં આવેલાં ખાતાંમાં એકનાથ શિંદે જૂથ કરતાં બીજેપીને ૨૮ ટકા વધુ રકમ ફાળવવામાં આવશે. આથી કહી શકાય કે સરકારમાં બીજેપીએ ભલે એકનાથ શિંદે જૂથને સમાન મંત્રાલય આપ્યાં છે, પરંતુ ખાતાંઓની દૃષ્ટિએ બીજેપીના પ્રધાનોને એકનાથ શિંદે જૂથ કરતાં વધુ ભંડોળ મળશે.

રાજ્યના આ વર્ષના આર્થિક બજેટમાં ૫,૪૮,૪૦૭.૫૫ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમાંથી ૬૪.૦૩ ટકા એટલે કે ૩,૫૧,૧૫૭.૪૦ હજાર કરોડ રૂપિયા વિકાસના કામમાં ખર્ચાશે, જ્યારે ૩૫.૯૭ ટકા એટલે કે ૧,૯૭.૨૫૦.૧૫ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ અન્યો કામોના ખર્ચ માટે કરવામાં આવી છે.

મેટ્રો-૩ના વધારાના ખર્ચને મંજૂરી અપાઈ
રાજ્યના પ્રધાનમંડળના વિસ્તરણ બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં ખાતાંની વહેંચણી બાબતે કેટલીક નારાજગી હતી એ દૂર કરવાની સાથે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુંબઈની મેટ્રો-૩ લાઇનને લગતો નિર્ણય કૅબિનેટે લીધો હતો. બે વર્ષ કામ લગભગ બંધ રહ્યું હોવાથી મેટ્રો-૩ લાઇનનો ખર્ચ વધી ગયો હોવાથી એમએમઆરડીએએ વધુ દસ હજાર કરોડ રૂપિયાની માગણી સરકાર પાસે કરી હતી, જેને કૅબિનેટે મંજૂરી આપી હતી. કોલાબા-બાંદરા-સીપ્ઝની મુંબઈ મેટ્રો-૩ લાઇનનો પહેલાં ૨૩,૧૩૬ હજાર કરોડ રૂપિયા ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, જે હવે ૩૩,૪૦૫ હજાર કરોડ રૂપિયા થવાની શક્યતા કરવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે વધારાના ખર્ચ માટે કેન્દ્ર સરકાર પાસેથી ભંડોળ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી રાજ્ય સરકાર પર વધારાનો મોટો બોજ ન આવે. ૩૩.૫ કિલોમીટર લાંબી આ લાઇનનું પહેલા તબક્કાનું કામ આવતા વર્ષે પૂરું કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. અત્યારે ટનલનું ૯૮.૬ ટકા કામ અને અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનોનું ૮૨.૬ ટકા કામ થઈ ગયું છે. ૨૦૩૧ સુધીમાં તમામ ૨૭ મેટ્રો સ્ટેશનોનું કામ થઈ ગયા બાદ એમાં ૧૭ લાખ લોકોને ફાયદો થશે.

શિવસેનામાં સત્તાસંઘર્ષની સુનાવણી લંબાવાઈ
શિવસેનામાં સત્તાસંઘર્ષ બાબતે સુપ્રીમ કોર્ટમાં તારીખ પે તારીખ પડી રહી છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથે કરેલી અરજીની સુનાવણી ૧૨ ઑગસ્ટે હાથ ધરાવાની શક્યતા હતી, પરંતુ એને લંબાવીને હવે ૨૨ ઑગસ્ટે હાથ ધરાઈ શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વ્હીપ અને પાત્ર-અપાત્ર બાબતે બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યા બાદ તારીખ પે તારીખ પડી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાની અધ્યક્ષતાની ત્રણ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ અત્યાર સુધી સુનાવણી થઈ છે. તેઓ ૨૬ ઑગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે એટલે ૨૨ ઑગસ્ટે આ મામલાનો નિર્ણય આવશે કે અરજીઓને કૉન્સ્ટિટ્યુશનલ બેન્ચને સોંપવામાં આવશે એના પર સૌની નજર રહેશે.

mumbai mumbai news shiv sena bharatiya janata party eknath shinde devendra fadnavis