17 September, 2025 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વરલીના ડોમમાં વિજય સંકલ્પ મેળાવડામાં દેવેન્દ્ર ફડણવીસ તેમની પાર્ટીના નેતાઓ સાથે. તસવીર : શાદાબ ખાન
BJPએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી અગાઉ વરલીમાં વિજય-સંકલ્પ મેળાવડાનું આયોજન કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું હતું. મુંબઈમાં મહાયુતિનો ભગવો જ લહેરાશે એવો વિજયનાદ કરીને દેવેન્દ્ર ફડણવીસે વિરોધીઓ સુધી પોતાની જીતના ઇરાદાઓ સ્પષ્ટ રીતે પહોંચાડ્યા હતા.
મેળાવડામાં દેવેન્દ્ર ફડણવીસે ખુલ્લેઆમ શિવસેના-UBTના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની ચૂંટણીમાં ઠાકરે બ્રૅન્ડની બૅન્ડ વાગી ગઈ હતી એમ કહીને દેવેન્દ્ર ફડણવીસે ઠાકરે બંધુઓને ટોણો મારતાં કહ્યું હતું કે ‘બાળાસાહેબ ઠાકરે બ્રૅન્ડ હતા, તમે નહીં. અમારી પાસે દુનિયાની સૌથી મોટી બ્રૅન્ડ નરેન્દ્ર મોદી છે, તેમના નેતૃત્વ હેઠળ મુંબઈનો વિકાસ થયો છે.’
કોરોનાના કફનચોર કેવી રીતે મુંબઈગરાઓનો સામનો કરશે એવો સવાલ કરીને દેવેન્દ્ર ફડણવીસે મહાયુતિ સરકારે મુંબઈ માટે કરેલાં કામો લોકો સમક્ષ રજૂ કર્યાં હતાં. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘જેમની પાસે સત્તા હતી તેઓ બીડીડી ચાલ અને ધારાવીનો વિકાસ પણ ન કરી શક્યા. મુંબઈના ભોગે હૈદરાબાદ અને બૅન્ગલોર આગળ નીકળી ગયાં, પણ હવે મુંબઈ જ દેશનું સૌથી મોટું સ્ટાર્ટ-અપ હબ બનશે.’
૨૦૨૪માં પૂર્ણ બહુમત સાથે જીતીને બતાવ્યું અને મોટું મન રાખીને યુતિ પણ કરી હતી, હવેની ચૂંટણીમાં પણ મહાયુતિના જ મેયરને સત્તા મળશે એવું આહ્વાન કરીને દેવેન્દ્ર ફડણવીસે કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો.