30 December, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેમાં લાગેલાં BJPનાં બૅનર્સને લઈને અનેકનાં ભવાં વંકાયાં.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) સાથે મળીને લડશે કે નહીં એની ચર્ચાઓ શમી નહોતી ત્યાં રવિવારે થાણેમાં મહત્ત્વનાં ટ્રાફિક-જંક્શનો પર BJPએ નરેન્દ્ર મોદીની તસવીર સાથેના ‘નમો ભારત નમો થાણે’નાં બૅનર્સ લગાડતાં મહાયુતિમાં BJP અને શિવસેના વચ્ચે બેઠકો માટે જબ્બર ખેંચતાણ અને એમાં પણ જો યુતિ ન જ થાય તો એકલા BJPની લડવાની તૈયારી હોવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. હવે યુતિ સંદર્ભે આજે છેલ્લા દિવસે શું નિર્ણય લેવામાં આવશે એના પર બધાની નજર ટકી છે.
‘નમો ભારત નમો થાણે’નાં બૅનર્સને લઈને શિવસેના (UBT)ના થાણેના નેતા રાજન વિચારેએ કહ્યું હતું કે ‘જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે BJPને થાણે યાદ આવે છે. જો ખરેખર તેમને વિકાસના નામે મત જોઈતા હોય તો તેમણે થાણેમાં કયાં વિકાસ-કાર્ય કર્યાં એ દર્શાવતાં બૅનર્સ લગાડવાં જોઈએ. છેલ્લાં ૩૦ વર્ષથી થાણે શિવસેનાનું રહ્યું છે. આ રીતે હોર્ડિંગ્સ લગાડવાથી ચૂંટણી ન જીતી શકાય. થાણેના વિકાસમાં બાળાસાહેબ ઠાકરે અને આનંદ દીઘે બન્નેનો મહત્ત્વનો ફાળો રહ્યો છે, બૅનર પરથી તેમની જ બાદબાકી કરી દેવાઈ છે. શું એકનાથ શિંદેને આ મંજૂર છે? TMCની ચૂંટણી ઠાકરે બ્રૅન્ડ પર લડાશે, નહીં કે નમો બ્રૅન્ડ પર. મતદારોને થાણેની સમસ્યાઓની જાણ છે અને તેઓ એ જ પ્રમાણે મતદાન કરશે.’