પીયૂષ ગોયલ બન્યા ફેક ન્યુઝનો શિકાર

27 April, 2024 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPનું માનવું છે કે આ ઊપજાવી કાઢેલા સમાચાર પીયૂષ ગોયલના મતવિસ્તાર માટેના સારા ઉદ્દેશો અને હેતુઓને બદનામ કરવાના ઉદ્દેશથી પ્લાન્ટ કરવામાં આવ્યા છે

પીયૂષ ગોયલ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નૉર્થ મુંબઈ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર પીયૂષ ગોયલે નાક પર કપડું રાખીને ફિશમાર્કેટની મુલાકાત લીધી હતી એવા ફેક ન્યુઝ મીડિયાનાં કેટલાંક સેક્શનમાં સર્ક્યુલેટ થતાં BJPના કાર્યકરોમાં રોષ અને ગુસ્સો વ્યાપી ગયો છે. વિપક્ષો દ્વારા પીયૂષ ગોયલની બદનામી કરતું બદઇરાદાવાળું આ કૅમ્પેન જોઈને પાર્ટીના કાર્યકરોમાં ગુસ્સો છે, કારણ કે તેમનું કહેવું છે કે હકીકતમાં આવી કોઈ ઘટના બની જ નહોતી.

BJPનું માનવું છે કે આ ઊપજાવી કાઢેલા સમાચાર પીયૂષ ગોયલના મતવિસ્તાર માટેના સારા ઉદ્દેશો અને હેતુઓને બદનામ કરવાના ઉદ્દેશથી પ્લાન્ટ કરવામાં આવ્યા છે. પાર્ટીના કહેવા મુજબ નવાઈની વાત એ છે કે આ ઘટના ક્યારે બની અને કયા દિવસે બની એની જાણકારી આકસ્મિક રીતે આપવામાં આવી જ નથી. પીયૂષ ગોયલના પ્રચાર-અભિયાનને સંભાળતા લોકોનું કહેવું છે કે તેમના કૅમ્પેનનો મિનિટેમિનિટનો એજન્ડા નક્કી હોય છે અને તેઓ ક્યાં જવાના હોય છે એ પણ ગોઠવી રાખવામાં આવે છે, દરેક બાબતનું રેકૉર્ડિંગ થાય છે અને એના ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવે છે એટલે તેમને ૧૦૦ ટકા ખાતરી છે કે આ રિપોર્ટ ફેક છે અને એ સ્વાર્થ ધરાવતા લોકો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

હાલમાં જ આ​મિર ખાન અને રણવીર કપૂર પણ ડીપ ફેકનો શિકાર બન્યા હતા અને આ ન્યુઝ હજી ચર્ચામાં છે એવા સમયે મતદારોના કેટલાક વર્ગમાં અમારા ઉમેદવાર વિશે બદઇરાદાવાળી લાગણી જન્મે એ માટે આ ફેક ન્યુઝ પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું જણાય છે એમ પાર્ટીનું કહેવું છે.

એક પાર્ટી તરીકે BJPના કાર્યકરો અને તેમના ઉમેદવાર પીયૂષ ગોયલ હાલમાં ફિશિંગ વિલેજમાં જઈ રહ્યા છે અને સ્થાનિક સમાજ સાથે તેમના ફાયદા માટેની અને ફિશરીઝ સેક્ટર માટેની સરકારની સ્કીમની માહિતી આપી રહ્યા છે ત્યારે આ પ્રકારના ફેક ન્યુઝ ફિશિંગનો વ્યવસાય કરતા સમાજમાં આ ઉમેદવાર માટે ગેરસમજ ઊભી કરી શકે છે એવું પાર્ટીને લાગે છે. આ ફેક ન્યુઝ ઊપજાવી કાઢેલા છે, બનાવટી, કાલ્પનિક અને પીયૂષ ગોયલ માટે સ્પષ્ટપણે અપમાનજનક છે એમ પણ BJPએ કહ્યું છે.

piyush goyal bharatiya janata party viral videos mumbai mumbai news