માલવણીમાં અસલમ શેખ સામે હલ્લા બોલ

24 November, 2025 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંગલ પ્રભાત લોઢાને ખલાસ કરી નાખવાની ધમકી આપી એટલે એનો વિરોધ કરવા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ મલાડ ગજાવી મૂક્યું

તસવીરો : શાદાબ ખાન

ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહારાષ્ટ્રના મિનિસ્ટર અને વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાને ખલાસ કરી દેવાની ધમકી આપનાર મલાડના વિધાનસભ્ય અસલમ શેખની વિરુદ્ધ માલવણી ફાયર-બ્રિગેડની સામે આવેલી અસલમ શેખની ઑફિસ અને માલવણી પોલીસ-સ્ટેશન સામે ગઈ કાલે ભારતીય જનતા યુવા મોરચાના સેંકડો કાર્યકરોએ જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમણે જોરદાર નારાબાજી કરી હતી. અસલમ શેખ સામે માલવણી પોલીસ-સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી આંદોલનકારીઓ કરી રહ્યા હતા. બહુ મોટા પ્રમાણમાં આંદોલનમાં કાર્યકરો જોડાતાં માલવણી પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમણે નારાબાજી ચાલુ જ રાખી હતી. એથી માલવણી પોલીસે કેટલાક આંદોલનકારીઓની ધરપકડ કરી હતી.    

આંદોલનકારીઓ દ્વારા માલવણી પોલીસ-સ્ટેશનની બહાર પણ જોરદાર નારાબાજી કરવામાં આવી હતી એટલું જ નહીં, આંદોલનકારીઓ દ્વારા આજુબાજુની દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. એ વિસ્તારમાં લાગેલાં અસલમ શેખનાં બૅનર્સ પણ કેટલાક આંદોલનકારીઓએ ફાડી નાખ્યાં હતાં.  

શું બન્યું હતું?  
માલવણીના સ્થાનિક વિધાનસભ્ય અસલમ શેખ રોહિંગ્યા અને બંગલાદેશી ઘૂસણખોરોને છાવરે છે અને તેમના દ્વારા ઊભા કરવામાં આવેલાં ગેરકાયદે બાંધકામ પર જ્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અતિક્રમણ વિભાગ દ્વારા કાર્યવાહી થવાની હોય તો અસલમ શેખ એમાં રોડાં નાખે છે અને એ કાર્યવાહીને અટકાવવાના પ્રયાસ કરે છે એવા આક્ષેપો કરીને BJPના નેતા અને વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ આ સંદર્ભે લડત ચલાવી છે, અભિયાન આદર્યું છે. તેમણે આપેલા દસ્તાવેજો અને એ માટે સતત ફૉલો-અપ કરીને કરેલી રજૂઆતને લઈને BMCએ માલવણીમાંથી ૯૦૦૦ ચોરસ મીટરની સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કર્યાં હતાં. એ પછી માલવણીમાં ચોકસભામાં અસલમ શેખે મંગલ પ્રભાત લોઢાને ખલાસ કરી નાખવાની ધમકી આપી હતી એવો આરોપ BJPએ કર્યો છે. એથી મંગલ પ્રભાત લોઢાએ એ સંદર્ભે મુંબઈના પોલીસ કમિશનર દેવેન ભારતીને પત્ર લખીને ફરિયાદ કરી હતી. BJPના મુંબઈના અધ્યક્ષ અમીત સાટમે પણ મંગલ પ્રભાત લોઢાને અપાયેલી ધમકી બાબતે નારાજી વ્યક્ત કરી હતી.  

મુંબઈ BJPના અધ્યક્ષ અમીત સાટમે આ બાબતે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મલાડ-માલવણીના વિધાનસભ્ય અસલમ શેખ રોહિંગ્યા અને બંગલાદેશી ઘૂસણખોરોને છાવરીને માલવણી-પૅટર્ન ચલાવે છે. ચોકસભાઓ ભરીને તેમણે આપેલી ધમકીને અમે ગણકારતા નથી.  ઊલટું અમે તેમની માલવણી-પૅટર્નને જડમૂળથી ઉખેડી નાખીશું.’

અમીત સાટમના આ નિવેદનનો વિરોધ કરવા શનિવારે કૉન્ગ્રેસના કાર્યકરો મુંબઈ BJPના અધ્યક્ષની અંધેરીની ઑફિસ સામે ભેગા થયા હતા અને જબરદસ્ત સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઘટના બાદ ગઈ કાલે ભારતીય જનતા યુવા મોરચાએ માલવણીમાં વિરોધ-પ્રદર્શન કરીને વળતો જવાબ આપ્યો હતો.

ગઈ કાલે મલાડના માલવણીમાં અસલમ શેખના વિરોધમાં ઊતરેલા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ તેમની તસવીરવાળા પોસ્ટરને જૂતાં મારીને એ બાળ્યાં હતાં. આ આંદોલનકારીઓને નિયંત્રિત કરવામાં પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. 

mumbai news mumbai bharatiya janata party political news maharashtra political crisis congress malad