16 October, 2025 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો: આશિષ રાજે
મુંબઈગરાઓ દિવાળીની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. છેલ્લી ઘડીએ શૉપિંગ કરવાની મજા લેતા મુંબઈગરાઓથી બજારો કીડિયારાંની જેમ ઊભરાયાં હતાં. ગઈ કાલે ક્રૉફર્ડ માર્કેટમાં લોકોએ મન મૂકીને ખરીદી કરી હતી. તેમણે અહીંથી ખાસ કરીને ઘરસજાવટ અને ઘરવખરીની વસ્તુઓ લેવાનું પસંદ કર્યું હતું. ખરીદદારોની ભીડને લીધે વાહનોની ગતિ ધીમી પડી હતી. લાંબી કતારોમાં વાહનો ભીડ વચ્ચે જગ્યા કરીને ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યાં હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી. ફટાકડા માટે મુંબઈગરાઓએ વર્ષોથી ફેમસ સ્પૉટ મોહમ્મદ અલી રોડની મુલાકાત લીધી હતી. લેટેસ્ટ અને રંગબેરંગી નાના-મોટા ફટાકડાઓથી શોભતા બજારમાં લોકોએ ગઈ કાલે ફટાકડાની ખરીદી કરી હતી. કપડાંની ખરીદી માટે સેંકડો લોકો દાદર માર્કેટ પહોંચતાં સાંકડા રસ્તાઓ પર ચિક્કાર ભીડ થઈ હતી અને સ્ટૅમ્પીડ જેવી હાલત થઈ ગઈ હતી. જોકે દિવાળીની ખરી મજા તો ખરીદીમાં જ છે એટલે છેલ્લા દિવસ સુધી બજારોમાં આવી જ ભીડ રહેશે. સેફ રહીને શૉપિંગ કરતા રહો મુંબઈગરાઓ!
સુરક્ષિત દિવાળી ઊજવવા માટે આટલું કરો
દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને ફાયર-બ્રિગેડે બુધવારે સુરક્ષિત રીતે દિવાળી ઊજવવા માટે એક ઍડ્વાઇઝરી જાહેર કરી છે.
ખાસ કરીને બિલ્ડિંગની અંદર, ઝાડની નજીક, ઓવરહેડ વાયર તેમ જ ગૅસ-પાઇપલાઇનની નજીક ફટાકડા ન ફોડવાની વિનંતી કરવામાં આવી છે.
બાળકોએ પુખ્ત વયના લોકોની દેખરેખ હેઠળ ફટાકડા ફોડવા જોઈએ.
દાઝવાનું જોખમ ઘટાડવા માટે સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપી છે.
જો આગ લાગે તો તાત્કાલિક બુઝાવવા માટે નજીકમાં પાણીની ડોલ રાખો અને આગથી દાઝી જવાય તો પાણીથી સાફ કરવું જોઈએ.
ફટાકડા ફોડતી વખતે ફુટવેઅર પહેરો.
સીડીઓની અંદર ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ.
ફટાકડા સળગાવવા માટે લાઇટર જેવી ઓપન ફ્લેમનો ઉપયોગ કરવો જોઈએ.
ડેકોરેટિવ લાઇટ્સ લગાવવા અને ઇલેક્ટ્રિકલ સર્કિટ ઓવરલોડ ન થાય એ માટે ટેક્નિશિયનોની મદદ લેવી જોઈએ.
કોઈ પણ કટોકટી માટે ઇમર્જન્સી નંબર ૧૦૧ અને ૧૯૧૬ દ્વારા ફાયર અને રેસ્ક્યુ સેવાઓનો સંપર્ક કરવો જોઈએ.