કોસ્ટલ રોડના પેડેસ્ટ્રિયન અન્ડરપાસમાં શેડ માટે ૧૯ કરોડનો ખર્ચ, પણ...

25 May, 2026 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોસ્ટલ રોડના પેડેસ્ટ્રિયન અન્ડરપાસમાં શેડ માટે ૧૯ કરોડનો ખર્ચ, પણ... વરસાદનું પાણી ન ભરાય એ માટેના શેડનું કામ પૂરું થતાં ચોમાસું નીકળી જશે

કોસ્ટલ રોડ પર આવેલા પેડેસ્ટ્રિયન અન્ડરપાસ પર હવે શેડ બેસાડવામાં આ‍વશે.

કોસ્ટલ રોડ પર સી-ફ્રન્ટ સુધી સીધો પ્રવેશ પૂરો પાડતા પેડેસ્ટ્રિયન અન્ડરપાસિસ (PUPs) પર કૅનપી એટલે કે શેડ બેસાડવા માટે BMCની સ્ટૅન્ડિંગ કમિટીએ ૧૯ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. એનાથી મૉન્સૂનમાં અન્ડરપાસમાં પાણી નહીં ભરાય અને રાહદારીઓને પણ સુગમતા રહેશે. જોકે મંજૂરીમાં બે મહિનાના વિલંબ બાદ હવે શેડ નાખવામાં ૩ મહિનાનો સમય લાગવાની શક્યતાને કારણે આ ચોમાસામાં તો કોસ્ટલ રોડના પેડેસ્ટ્રિયન અન્ડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહે એવું લાગી રહ્યું છે.

માર્ચમાં સ્ટૅન્ડિંગ કમિટીએ આ પેડેસ્ટ્રિયન અન્ડરપાસિસ પર શેડ માટે વધારાના ૧૯ કરોડ રૂપિયા મંજૂર કરવાના પ્રસ્તાવને મુલતવી રાખ્યો હતો અને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ જોગવાઈ મૂળ યોજનાનો ભાગ કેમ નહોતી.

લગભગ બે મહિના પછી શુક્રવારે ફરી એક વાર દરખાસ્ત સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી. ભારે વરસાદ દરમ્યાન પેડેસ્ટ્રિયન અન્ડરપાસિસનાં પ્રવેશવાનાં અને બહાર નીકળવાનાં સ્થળો પર પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓની અવરજવરમાં અવરોધ ઊભો થાય છે અને ઘણી વાર કામચલાઉ બંધ કરવાની ફરજ પડે છે એ જોતાં BMCના અધિકારીઓએ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી. 

ક્યાં લાગશે શેડ?
ભુલાભાઈ દેસાઈ રોડ પર આકૃતિ પાર્કિંગ બિલ્ડિંગ ખાતે અન્ડરપાસ-નંબર ૨ અને ૪, વત્સલાબાઈ દેસાઈ ચોક (હાજી અલી જંક્શન) પર અન્ડરપાસ-નંબર ૬, વરલી ડેરીની સામે અન્ડરપાસ-નંબર ૧૧, ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર અન્ડરપાસ-નંબર ૧૨ અને વરલીમાં બિંદુ માધવ ઠાકરે ચોક ખાતે અન્ડરપાસ-નંબર ૧૪ પર શેડ લાગશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation Mumbai Coastal Road monsoon news mumbai monsoon