BMCના હૉલ, સુધરાઈની સ્કૂલો અને સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમના ૬ શ્લોક ગાવાનો પ્રસ્તાવ BMCમાં મંજૂર

28 February, 2026 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના જૂથનેતા અને ગૃહનેતા ગણેશ ખણકર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તની સૂચના પર ગુરુવારે BMCના ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી

વંદે માતરમના શબ્દો

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સામાન્ય સભામાં ગુરુવારે મ્યુનિસિપલ કૉર્પોરેશન હૉલમાં નગરપાલિકાની સ્કૂલોના સમારંભોમાં અને અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત વંદે માતરમ્‍ના બધા ૬ શ્લોક ગાવાનું ફરજિયાત બનાવવાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૉર્પોરેટરે રજૂ કરેલા પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ દરખાસ્ત હવે અમલમાં મૂકતાં પહેલાં વહીવટી મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીને મોકલવામાં આવશે.

BJPના જૂથનેતા અને ગૃહનેતા ગણેશ ખણકર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તની સૂચના પર ગુરુવારે BMCના ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. ૧૮૭૫ની ૭ નવેમ્બરે બંકિમચંદ્ર ચૅટરજી દ્વારા રચિત રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્‍ની ૧૫૦મી વર્ષગાંઠ ૨૦૨૫માં ઊજવવામાં આવી હતી. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને અનુસરીને હવે તમામ સરકારી કાર્યક્રમો, સત્તાવાર સમારંભો, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલો સાથેના કાર્યક્રમોમાં અને સ્કૂલોમાં સન્માનના ચિહ્‍ન તરીકે સાવધાન ઊભા રહીને ૬ શ્લોક ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ જ બાબતને અનુસરીને ગણેશ ખણકરે પ્રસ્તાવ મૂક્યો હતો કે વંદે માતરમ્ બધા મ્યુનિસિપલ કૉર્પોરેશનના હૉલમાં યોજાતા કાર્યક્રમોમાં, સ્કૂલના સમારંભોમાં અને રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલો સાથેના કાર્યક્રમો સહિત અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં ગાવામાં આવે. વિરોધ પક્ષના સમર્થન સાથે આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

BMCના ગૃહમાં રાજ્ય ગીત ‘જય જય મહારાષ્ટ્ર માઝા’ વગાડવાનો બીજો પ્રસ્તાવ BJPનાં કૉર્પોરેટર અને શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ રાજેશ્રી શિરવડકરે રજૂ કર્યો હતો અને ગુરુવારની બેઠક દરમ્યાન એને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

mumbai news mumbai brihanmumbai municipal corporation bharatiya janata party bhartiya janta party bjp