અમારી ભૂલ થઈ ગઈ : BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ કાન પકડ્યા

06 January, 2026 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCના કમિશનર ભૂષણ ગગરાણી તરફથી રજૂઆત કરતાં વકીલ રવિ કદમે કહ્યું હતું કે અમારા તરફથી એ લેટર ઇશ્યુ કરાયો એ ભૂલ થઈ ગઈ છે

MNSના અવિનાશ જાધવ

બૉમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણીનો તેમના (કોર્ટના) જ્યુરિડિક્શનમાં પગપેસારો કરવા બદલ ઊધડો લીધા બાદ ગઈ કાલે ભૂષણ ગગરાણીએ બૉમ્બે હાઈ કોર્ટમાં કબૂલ કર્યું હતું કે ચૂંટણીના કામ માટે કોર્ટના સ્ટાફની માગણી કરી એ તેમની ભૂલ થઈ ગઈ હતી.

ભૂષણ ગગરાણીએ નીચલી કોર્ટનો સ્ટાફ ચૂંટણીના કામ માટે ફાળવવામાં આવે એવી માગણીની રજૂઆત કરતો પત્ર લખ્યો હતો. આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટે પોતે નોંધ લઈને કેસ દાખલ કર્યો હતો. એના પર સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અણખડે પૂછ્યું હતું કે ‘તમને (ભૂષણ ગગરાણીને) કાયદાની કઈ જોગવાઈ હેઠળ આવું કરવાની સત્તા આપવામાં આવી છે? તમને એ માટે કોઈ પાવર આપવામાં આવ્યો નથી. તમે કોર્ટના કર્મચારીઓને સમન્સ ન મોકલી શકો.’

BMCના કમિશનર ભૂષણ ગગરાણી તરફથી રજૂઆત કરતાં વકીલ રવિ કદમે કહ્યું હતું કે અમારા તરફથી એ લેટર ઇશ્યુ કરાયો એ ભૂલ થઈ ગઈ છે અને અમે એ પત્ર પાછો ખેંચી લીધો છે. તેમની એ રજૂઆત બાદ કોર્ટે કહ્યું હતું કે ‘હવે તમે તમને બચાવો. તમે બીજા સોર્સથી તમારી ગોઠવણ કરો. અમે હવે આ મૅટર પર ઇલેક્શન પછી સુનાવણી કરીશું.’ 

mumbai news mumbai bombay high court brihanmumbai municipal corporation bmc election municipal elections