દાદરનું ૯૨ વર્ષ જૂનું કબૂતરખાનું શિફ્ટ કરવું કે નહીં?

26 March, 2025 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે દાદર કબૂતરખાના ટ્રસ્ટના પ્રતિનિધિઓની BMCના અધિકારીઓ સાથેની મીટિંગમાં આ બાબતનો સ્ટડી કરાવ્યા બાદ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યુંઃ લોકોની હેલ્થ પર એની અવળી અસર થતી હોવાથી BMCએ એને સ્થળાંતર કરવાનો વિચાર કર્યો છે

કબૂતરખાનું

કબૂતરોની ‍હગાર હવામાં ફેલાવાનાં કારણે ફેફસાંમાં ઇન્ફેક્શન થાય છે અને એના કારણે દરદીનો જીવ પણ જઈ શકે છે એવાં કારણોને લીધે દાદરનું વર્ષો જૂનું કબૂતરખાનું ત્યાંથી શિફ્ટ કરવાનું બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશન (BMC)એ નક્કી કર્યું છે. જોકે હવે આ બાબતે દાદર કબૂતરખાના ટ્રસ્ટ અને જૈનોએ  BMCના જી નૉર્થ વૉર્ડમાં રજૂઆત કરતાં વૉર્ડ ઑફિસરે કહ્યું છે કે તેઓ આ બાબતે સ્ટડી કરાવશે અને ત્યાર બાદ એ શિફ્ટ કરવું કે નહીં એના પર નિર્ણય લેશે. જો એ શિફ્ટ નહીં કરવાનું હોય તો એને વધુ સારું કઈ રીતે બનાવી શકાય એનો પ્લાન તૈયાર કરવામાં આવશે.
દાદર કબૂતરખાના ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્ર મહેતાએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ટ્રસ્ટીઓ ગઈ કાલે વૉર્ડ ઑફિસર અજિતકુમાર અંબીસાહેબને મળ્યા હતા. તેમની સાથે BMCના બીજા પણ અમુક ઑફિસરો હતા. અમે રજૂઆત કરતાં કહ્યું હતું કે ૧૯૩૩થી આ કબૂતરખાનું અ​સ્તિત્વ ધરાવે છે, અમે એને સારી રીતે મેઇન્ટેઇન કરીએ છીએ અને સાથે જ સાફસફાઈનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ એ વાતનું સમર્થન નથી કરતું કે કબૂતરની હગારને કારણે લંગ-ઇન્ફેક્શન થાય છે. અમે એમ નથી કહી રહ્યા કે ઇન્ફેક્શન નહીં જ થતું હોય. લાખ માણસમાં એકાદ વ્યક્તિને એ થતું પણ હોઈ શકે, પણ એને કારણે રોજના હજારો કબૂતરનાં પેટ ભરતા કબૂતરખાનાને બંધ ન કરી શકાય. આ કબૂતરખાના સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. જૈનો અને હિન્દુઓ સાથે મુસ્લિમો પણ અહીં દર શુક્રવારે ચણ નાખે છે.’ 

ટ્રસ્ટ દ્વારા આ માટે લેખિતમાં પણ એક નિવેદન આપવા​માં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘મુંબઈમાંથી પોપટ અને ચકલીઓ તો ઓછી થઈ જ ગઈ છે, અમે કબૂતરોની સાથે એવું ન બને એના પ્રયાસ કરી રહ્યા છીએ. બીજું રેલવે અને રોડ-ટ્રૅફિકમાં રોજના ઘણા લોકો મરી જાય છે, પણ એના કારણે રેલવે કે રોડ-ટ્રૅફિક બંધ નથી કરી દેવાતો, તો પછી માત્ર ઇન્ફેક્શનની શંકાના આધારે કબૂતરખાનાને શિફ્ટ કરવાનું કેમ વિચારવામાં આવે છે.’ 

BMCના અધિકારીઓ સાથેની મીટિંગમાં આખરે શું નિર્ણય લેવાયો એ વિશે જણાવતાં નરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે ‘આ બાબતે વૉર્ડ ઑફિસરે અમારી રજૂઆત સાંભળી હતી અને કહ્યું હતું કે કે તેઓ આ બાબતે સ્ટડી કરા‍વશે અને વૈજ્ઞાનિક રીતે શું તારણ નીકળે છે એના આધારે કબૂતરખાનું શિફ્ટ કરવું કે નહીં એનો નિર્ણય લેશે. અમે તેમને કહ્યું કે સરકારી ઑફિસરો દ્વારા કરવામાં આવનાર સ્ટડી વન સાઇડેડ ન હોવો જોઈએ. અમારી આ વાત સાંભળીને તેમણે આ સ્ટડી દરમ્યાન અમારા ટ્રસ્ટી અને જૈનોને પણ સાથે રાખવાનું કહ્યું છે. જો આ સ્ટડીમાં કબૂતરખાનાને શિફ્ટ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવશે તો કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) ફન્ડની મદદથી કબૂતરખાનાને વધુ સારું બનાવવામાં આવશે.’ 

mumbai news mumbai brihanmumbai municipal corporation dadar healthy living