11 November, 2025 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર સ્નેહા વિસરિયા, મુંબઈના કાલાચૌકી વિસ્તારમાં આવેલા દીપક જ્યોતિ ટાવરની બહાર આવેલા કબૂતરખાનાનું મહાનગરપાલિકાએ પોલીસની હાજરીમાં JCBથી ડિમોલિશન કર્યું હતું.
મુંબઈના કાલાચૌકી વિસ્તારમાં આવેલા દીપક જ્યોતિ ટાવરની બહાર આવેલા કબૂતરખાનાને ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે મુંબઈ મહાનગરપાલિકાએ પોલીસની હાજરીમાં ડિમોલિશ કર્યું હતું. આ બનાવથી મુંબઈના જીવદયાપ્રેમીઓ ફરી પાછા આક્રોશમાં આવી ગયા છે. તેમનો એક જ સવાલ હતો, ‘જ્યારે કબૂતરખાનાનો મામલો કોર્ટમાં છે ત્યારે મહાનગરપાલિકા આ કબૂતરખાનાને કઈ રીતે તોડી પાડી શકે? શું તેમની પાસે કોર્ટ તરફથી લેખિતમાં કોઈ આદેશ હતો?’
આ બાબતે માહિતી આપતાં કબૂતરખાના માટે કાયદાકીય લડત ચલાવી રહેલાં જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને રોષભર્યા શબ્દોમાં કહ્યું હતું કે ‘મુંબઈ મહાનગરપાલિકાએ આ કબૂતરખાનાને તોડી પાડ્યું અને એને પોલીસે રક્ષણ આપ્યું હતું. સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસ પાસે કબૂતરખાનાના ડિમોલિશન માટે મુંબઈ મહાનગરપાલિકાની કે કોર્ટ તરફથી કોઈ લેખિત પરવાનગી કે અરજી હતી? જ્યારે કોર્ટે કોઈ પણ કબૂતરખાનાનાને ન તોડવા માટે સ્ટે આપ્યો છે ત્યારે તેઓ કઈ રીતે કબૂતરખાનું તોડી પાડી શકે? કોર્ટ તરફથી કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજના બનાવે જીવદયાપ્રેમીઓને બહુ મોટો ઝટકો અને આઘાત આપ્યો છે.