માથાભારે બંગલાદેશી વ્યંડળની જાહોજલાલી જમીનદોસ્ત

05 June, 2026 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશથી ૩૦૦૦ જેટલા વ્યંડળોને મુંબઈ લઈ આવવાના આરોપનો સામનો કરતા માનખુર્દના બાબુ ખાન ઉર્ફે ગુરુમા ઉર્ફે બાબુ હીજડાના ૩ માળના ગેરકાયદે બંગલા પર BMCનો હથોડો

બંગલાદેશી ટ્રાન્સજેન્ડર બાબુ ખાન ઉર્ફે ગુરુમા ઉર્ફે બાબુ હીજડા અને તેના માનખુર્દના બંગલાનું ચાલતું તોડકામ.

BMCએ ગુરુવારે માનખુર્દમાં આવેલા બંગલાદેશી ટ્રાન્સજેન્ડર બાબુ ખાન ઉર્ફે ગુરુમા ઉર્ફે બાબુ હીજડાના ત્રણ માળના બંગલાને તોડી પાડ્યો હતો. નકલી બર્થ-સર્ટિફિકેટ બનાવવાના આરોપી બાબુ ખાનના બંગલા પર થયેલી કાર્યવાહીની માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય તેમ જ બંગલાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ લાંબા સમયથી ઝુંબેશ ચલાવી રહેલા કિરીટ સોમૈયાએ સોશ્યલ મીડિયા પર આપી હતી. બાબુ ખાન પર ૨૦૨૫ના ડિસેમ્બરમાં ૩૦૦૦ બંગલાદેશી ટ્રાન્સજેન્ડરને ભારતમાં ગેરકાયદે ઘુસાડવાનો આરોપ પણ લાગ્યો હતો. બાબુ ખાન છેલ્લા ત્રણ દાયકાથી ભારતમાં ગેરકાયદે રીતે રહે છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ૧૯ એપ્રિલે પોલીસે ૪૪ વર્ષના બાબુ ખાનની ૧૭ વર્ષના ટીનેજરને કિડનૅપ કરીને તેને બળજબરીપૂર્વક ભીખ માગવાના ધંધામાં ધકેલવા બદલ ગોવંડીના શિવાજીનગરથી ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

બાબુ ખાનના નામે મુંબઈમાં લાખો રૂપિયાની પ્રૉપર્ટી હોવાનું જાણવા મળ્યું હતું. ૩૦૦૦ બંગલાદેશી વ્યંડળોને ગેરકાયદે રીતે મુંબઈમાં લાવવાના આરોપ બાદ ૨૦૨૫ના ડિસેમ્બરમાં શિવાજીનગર પોલીસે તેની અટકાયત કરી હતી. 

brihanmumbai municipal corporation mankhurd bangladesh bhartiya janta party bjp kirit somaiya mumbai mumbai news