નો મીન્સ નો

17 June, 2022 11:33 AM IST  |  Mumbai | Rohit Parikh

દુકાનોનાં નામનાં બોર્ડ મરાઠીમાં કરવા માટે બીજા છ મહિનાની મુદત આપવાની દુકાનદારોની માગણીનો બીએમસીએ સ્પષ્ટ ઇનકાર કર્યો 

ફાઇલ તસવીર

બીએમસીએ દુકાનદારો અને સંસ્થાઓને તેમના નામનું બોર્ડ મરાઠીમાં લખવાની છેલ્લી તારીખ લંબાવીને ૩૦ જૂન સુધી આપી હતી. હવે આ બોર્ડ બદલવા માટે બીજા છ મહિનાની મુદત આપવા માટેની દુકાનદારોની માગણીનો ગઈ કાલે બીએમસીના શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ગઈ કાલે સાંજના ચાર વાગ્યે બીએમસીના શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનની મીટિંગ હતી. એમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ કોઈ પણ સંજોગામાં વધુ છ મહિનાની દુકાનદારો અને સંસ્થાઓને મુદત આપી શકે એમ નથી. આમ છતાં તેમણે કહ્યું હતું કે અમે વૉર્ડ પ્રમાણે સર્વે કર્યા પછી આ બાબતનો આખરી નિર્ણય આ મહિનાના અંતમાં લઈશું.

આ માહિતી આપતાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બીએમસીને કહ્યું હતું કે મુંબઈના પાંચ લાખ દુકાનદારોનાં બોર્ડ બદલવાં એ રમતવાત નથી. એક બાજુ મુંબઈમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આવા સમયે બોર્ડના રંગોને સૂકવવામાં સારોએવો સમય લાગી જાય એમ છે. બીજું, માર્કેટમાં નિયોન સાઇન બોર્ડ બનાવનારા મૅન્યુફૅક્ચરરો ખૂબ જ ઓછા છે. એને કારણે કારીગરો મનફાવે એવા ભાવ ડિમાન્ડ કરી રહ્યા છે. જો ઝડપથી અમારે અમારી દુકાનોનાં બોર્ડ મરાઠીમાં લખવાં હશે તો ફ્લેક્સ બોર્ડ બનાવીને લગાડવાં પડશે જેનાથી મુંબઈનું સૌંદર્ય ઝાંખું પડવાની પૂરેપૂરી શકયતાઓ છે. તેઓ મુંબઈ અને ઉપનગરોમાં કેટલાં બોર્ડ મરાઠીમાં લાગી ગયાં છે એ બાબતનો સર્વે કર્યા પછી મહિનાના અંતમાં આ મુદ્દે ફેરવિચારણા કરશે.’

અમે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી એવી જાણકારી આપતાં શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજોગ કબરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનદારો ઘણા દિવસથી મરાઠી બોર્ડ બદલવાના મુદ્દે અમારી સાથે મીટિંગ કરવા ઇચ્છતા હતા. એને પરિણામે ગઈ કાલે વીરેન શાહ અને અન્ય દુકાનદારો સાથે મીટિંગ થઈ હતી. અમે તેમની વાતોને સાંભળી હતી અને તેમની મુશ્કેલીઓની નોંધ લીધી હતી. તેમની માગણી હતી કે મરાઠી બોર્ડ બદલવા માટે છ મહિનાનો સમય આપવામાં આવે. અમે તેમને કહ્યું હતું કે અમે આ બાબતે અભ્યાસ કર્યા પછી નિર્ણય લઈશું. અત્યારે અમે આટલી લાંબી મુદત આપી શકીએ એમ નથી.’
ફેડરેશન હવે રાજ્યના ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ સાથે મીટિંગ કરવાનું છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation rohit parikh