06 January, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે અને રાજ ઠાકરે
લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન્સમાં મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT)એ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને પાછળ છોડી દીધી હતી. હવે ૧૫ જાન્યુઆરીએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી પણ બન્ને શિવસેના માટે લિટમસ ટેસ્ટ સમાન છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે યુતિ કરી હોવાથી આ ઇલેક્શન ઠાકરે બ્રૅન્ડની લોકપ્રિયતાની પણ ખરી કસોટી હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
BMCની ૨૨૭ બેઠકમાંથી ૬૯ બેઠક પર શિવસેના (UBT) અને એકનાથ શિંદેની શિવસેના સામસામે લડી રહ્યી છે, જ્યારે ૧૮ બેઠક પર શિંદેસેનાનો સીધો મુકાબલો MNS સાથે છે. એટલે કે શિંદેસેના મુંબઈમાં કુલ ૮૭ સીટ પર ઠાકરેબંધુઓનો સીધો મુકાબલો કરવાની છે. ૯૭ બેઠક પર શિવસેના (UBT)ની સીધી ફાઇટ BJP સાથે છે. BJP અને MNSનો સીધો મુકાબલો ૩૫ બેઠક પર છે.
લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનમાં શિવસેના (UBT) સાથે કૉન્ગ્રેસ અને NCP (SP)નું ગઠબંધન હતું. આ ચૂંટણીમાં એવી યુતિ ન હોવાને કારણે અનેક બેઠકો પર ત્રિકોણિયો મુકાબલો છે. વિધાનસભાની ચૂંટણીમાં શિંદેસેના સાથે મુંબઈની ૧૦ બેઠકોની લડાઈમાંથી ૭ પર શિવસેના (UBT)એ જીત મેળવી હતી.