16 January, 2026 07:29 AM IST | Mumbai | Rohit Parikh
મતદાન કરવા જઈ રહેલો મીત વેદ.
ઘાટકોપર-વેસ્ટની નવરોજી લેનમાં આવેલા પ્રેમકુંજના ૩૨ વર્ષના મગજના દરદી મીત વેદે ગઈ કાલે પૂરા ઉત્સાહ સાથે મતદાન કરીને રાષ્ટ્રપ્રેમ નિભાવ્યો હતો. આ બાબતની માહિતી આપતાં મીતનાં મમ્મી દીના વેદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીત નાનપણથી મગજનો દરદી છે. એને લીધે તે ભણ્યો પણ નથી. જોકે તેને મતાધિકાર મળ્યો ત્યારથી હું અને તેના પપ્પા તેને રાષ્ટ્રપ્રેમ નિભાવવા માટે મતદાન કરવા લઈ જઈએ છીએ. પહેલાં તો મતદાનમથક અમારા ઘરની નજીક હતું એટલે અમે તેને વ્હીલચૅરમાં લઈ જઈને મતદાન કરાવતા હતા. જોકે ગઈ કાલે અમારા ઘરથી મતદાનમથક અંદાજે ૭૦૦ મીટર દૂર હતું. ફાતિમા સ્કૂલમાં અમારે મતદાન આપવા જવાનું હતું, પણ અમે હાર્યા નહોતા. એમાં સવારે ઊઠતાં જ મીતે અમારી વાતો સાંભળીને અમને મતદાન કરવા લઈ જવા માટે ઉત્સાહ બતાવ્યો હતો. બસ, પછી તો અમારામાં પણ જોશ આવી ગયો હતો. અમે વ્હીલચૅર લઈને મતદાનમથક જવા નીકળ્યા હતા. એ જ સમયે અમારી સોસાયટીના સામાજિક કાર્યકર પીયૂષ દાસ અમને મળી ગયા હતા. તેમણે તરત જ અમને રિક્ષાની વ્યવસ્થા કરાવી આપી હતી અને મતદાનમથકે પહોંચાડ્યા હતા.’
જોકે અમારી પરીક્ષા હજી બાકી હતી, ત્યાં ગયા પછી ચૂંટણી-અધિકારીઓના કર્મચારીઓ અમને સહકાર આપવા તૈયાર નહોતા એમ જણાવીને દીના વેદે કહ્યું હતું કે ‘મીત માટે મારી સહાય વગર મતદાન કરવું અશક્ય હતું. એ માટે કર્મચારીઓ તૈયાર નહોતા. આખરે લાંબી દલીલો પછી તેઓ પીગળ્યા હતા. તેમણે મને મીતને હેલ્પ કરવાની છૂટ આપી હતી અને મીતે રાષ્ટ્રહિમાં મતદાન કરીને ખુશી મેળવી હતી.’