11 January, 2026 08:11 AM IST | Mumbai | Ranjeet Jadhav
ગુલમોહર રોડ અને JVPDની ગલીઓમાં હેવી વ્હીકલ્સ અને રિક્ષાઓના પાર્કિંગ સામે અહીંના નાગરિકોએ વાંધો ઉઠાવ્યો છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું ઇલેક્શન નજીક આવી રહ્યું છે એમ મુંબઈકરો તેમની સ્થાનિક જરૂરિયાતો પ્રમાણેની ડિમાન્ડ રાજકારણીઓ સામે મૂકી રહ્યા છે. સિટિઝન ગ્રુપ્સ અને ઍડ્વાન્સ્ડ લોકલિટી મૅનેજમેન્ટ્સ (ALMs) ચૂંટણીના ઉમેદવારો સામે તેમની માગણીઓ રજૂ કરી રહ્યાં છે. જુહુ એરિયામાં ગુલમોહર એરિયા સોસાયટી વેલ્ફેર ગ્રુપ (GASWG) દ્વારા ગુલમોહર અને JVPDની ગલીઓમાં ઑટોરિક્ષા સહિતનાં કમર્શિયલ વાહનોના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડવાની માગણી કરવામાં આવી છે. આ ગ્રુપે બીજી ડિમાન્ડ્સ સાથે એવી પણ માગણી કરી છે કે આ બન્ને એરિયામાં ફેલાયેલા ફેરિયાઓને પણ દૂર કરવામાં આવે.
વારંવાર ફરિયાદ કરી પણ નકામી ગઈ
ફિલ્મમેકર અને GASWGના ચૅરમૅન અશોક પંડિતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે અમારા સિટિઝન્સ ચાર્ટર ઑફ ડિમાન્ડ્સની કૉપી આ વૉર્ડ (વૉર્ડ-નંબર ૬૭)માં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને આપી રહ્યા છીએ. આમ તો આ આખા શહેરની સમસ્યા છે. ગુલમોહર અને JVPDની ગલીઓ ટ્રકો, ટેમ્પો, ટૅક્સી અને ફેરિયાવાળાઓએ કબજે કરી લીધી હોય એવી સ્થિતિ છે. અહીંના રહેવાસીઓ માટે તો પાર્કિંગ કરવાની જગ્યા જ નથી. BMC અને ટ્રાફિક પોલીસને અમે વારંવાર ફરિયાદ કરી છે, પણ કોઈ ફાયદો નથી થયો. એટલે જ અમે ઇલેક્શનના ઉમેદવારો સાથે આ સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો છે.’
મુંબઈને બે કમિશનર આપો
આ ચાર્ટરમાં નાગરિકોએ એવી પણ ડિમાન્ડ કરી છે કે મુંબઈને વધારે સારું ગવર્નન્સ મળે એ માટે બે કમિશનર હોવા જોઈએ. આ ઉપરાંત લાયસન્સ ધરાવતા ફેરિયા હોય તો તેમના માટે પ્રૉપર હૉકિંગ ઝોન્સનો અમલ કરવામાં આવે, ફુટપાથ અને રોડ પર રાંધવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે અને પબ્લિક રોડ પર અતિક્રમણ કરીને તૈયાર કરવામાં આવેલી નર્સરીઝ અને ગૅરેજને દૂર કરવામાં આવે, કંપનીઓ અને પૉલિટિકલ પાર્ટીઓ દ્વારા લગાડવામાં આવેલાં હૉર્ડિંગ્સ અને ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ સામે કડક પગલાં ભરવામાં આવે અને તમામ ઓપન સ્પેસને એન્ક્રોચમેન્ટથી બચાવવા માટે જરૂરી કામગીરી કરવામાં આવે વગેરે જેવી માગણીઓ પણ આ ગ્રુપે કરી છે.