લોકશાહીની શરૂઆત સહભાગી બનવાથી થાય છે

16 January, 2026 07:41 AM IST  |  Mumbai | Hemal Ashar

મતદાન કરવા માટે આ યુવક જેવો ઉત્સાહ જોઈએ: પોલિંગ-બૂથ પર ઑફિસર્સની પહેલાં જ પહોંચ્યો દાદરનો ગુજરાતી યુવાન

દાદર-વેસ્ટમાં આવેલા બ્રહ્મ સહાયક સંઘ મતદાનમથક પર સૌથી પહેલો મત આપનાર કરણ શાહ.

જવાબદાર નાગરિક તરીકે ફરજ સમજીને મતદાન કરવું જોઈએ એવું સૌ માને છે, પણ લોકશાહીના આ પર્વની ઉત્સાહથી ઉજવણી કરવી એમાં ખૂબ ઓછા લોકો માને છે. દાદરનો આવો જ એક હોંશીલો યુવાન કરણ શાહ પોલિંગ-બૂથ પર સવારે ઑફિસરો પહોંચે એ પહેલાં જ પહોંચી ગયો હતો. વ્હીલચૅર પર પહોંચેલા કરણે તેના બૂથ પર સૌથી પહેલો મત આપ્યો હતો. કરણના પપ્પા સુનીલ શાહે ગર્વથી કહ્યું હતું, ‘લોકશાહીની શરૂઆત સહભાગી બનવાથી થાય છે.’

ગુરુવારે વહેલી સવારે દાદર-વેસ્ટમાં આવેલા બ્રહ્મ સહાયક સંઘ મતદાનમથક પર કરણ શાહે મતદાન કર્યું હતું. દાદર વ્યાપારી સંઘના પ્રમુખ સુનીલ શાહે કહ્યું હતું કે ‘મારો દીકરો વ્હીલચૅર પર પોલિંગ-બૂથ ખૂલે એ પહેલાં જ પહોંચી ગયો હતો. આ ઉત્સાહ થકી તેણે લોકોને મતદાનની જરૂરિયાત વિશે જાગ્રત કર્યા હતા. એક મતથી શું ફરક પડશે? જો તમે આ રીતે વિચારો છો અને તમારી ફરજ છોડી દો છો તો ફરિયાદ કરવાનું પણ છોડી દો.’

ડૉગ-બિહેવિયરિસ્ટ કરણ શાહે કહ્યું હતું કે ‘બૂથ સંપૂર્ણપણે વ્હીલચૅર-ઍક્સિસેબલ હતું અને સ્ટાફ મૈત્રીપૂર્ણ અને મદદરૂપ હતો. મેં મારા અગાઉના મતદાનના અનુભવ દરમ્યાન પણ આવો જ અનુભવ કર્યો હતો. મારી હાજરી અને ખૂબ વહેલા પહોંચવાથી હું લોકોને જણાવવા માગતો હતો કે મતદાન આપવાની વાત આવે ત્યારે કોઈ બહાનું ચાલતું નથી.’ 

mumbai news mumbai bmc election municipal elections gujaratis of mumbai dadar