રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓમાં ગઈ કાલે વોટિંગ થયું એના ચમકારા જાણી લો

16 January, 2026 08:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્યાંક આક્ષેપ થયો કે NOTA દબાવીએ તો BJPને મત જાય છે, ક્યાંક ગુજરી ગયેલા સંસદસભ્યનું નામ મતદારયાદીમાં જોવા મળ્યું

પ્રતીકાત્મક તસવીર

ધુળેમાં એક સ્કૂલમાં મતદાન વખતે બે જૂથ વચ્ચે ઝઘડો થવાથી કેટલાક લોકો બૂથની અંદર ઘૂસી ગયા હતા અને EVMને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે આને કારણે ૧ કલાક માટે મતદાન રોકી દેવું પડ્યું હતું.

સંભાજીનગરમાં મૃત્યુ પામેલા સંસદસભ્ય મોરેશ્વર સાવેનું નામ મતદારયાદીમાં નોંધાયેલું જોવા મળ્યું હતું. તેઓ ગઈ ૧૬ જુલાઈના જ મૃત્યુ પામ્યા હતા.

 પુણેમાં કેટલીક જગ્યાએ EVMમાં ટેક્નિકલ સમસ્યા આવી હોવાથી EVM બદલવાં પડ્યાં હતાં. એ ચૂંટણીઓમાં ૪ ઉમેદવારોને મત આપવાના હતા. શરૂઆતમાં જ ૩-૪ વોટ નાખ્યા બાદ કેટલીક જગ્યાએ EVM મશીનમાં એ ચારે જણને મત આપી દેવાયા છે એ બાબતની ફરજિયાત જાણ કરતી લાઇટ દેખાતી નહોતી. આ સંદર્ભે NCPના રોહિત પવારે પણ ફરિયાદ કરી હતી. પુણેના ઍડિશનલ કમિશનર અને ચૂંટણી ઇન્ચાર્જ ઓમપ્રકાશ દિવટેએ આ બાબતે કહ્યું હતું કે ૧૫-૨૦ EVM મશીનમાં આ સમસ્યા જોવા મળી હતી. તરત જ એ મશીન રિપ્લેસ કરી દેવાયાં હતાં અને મતદાનમાં ક્યાંય ખલેલ પડી નહોતી.’

 મુંબઈમાં કેટલાક મતદારોએ તેમનાં નામ અન્ય બૂથમાં આવ્યાં હોવાની ફરિયાદ કરી હતી જેથી તેમને છેલ્લી ઘડીએ અલગ બૂથમાં જઈને મતદાન કરવું પડ્યું હતું અને હાલાકી ભોગવવી પડી હતી.

 પોલિંગ બૂથ પર મત દેવા આવેલા વૃદ્ધોને વ્હીલચૅર પર બેસાડી તેમને બૂથ સુધી લઈ જતા પોલીસ-કર્મચારીઓને જોઈ આવી વ્યવસ્થાને અન્ય મતદારોએ વખાણી હતી અને પોલીસ અને વૉલન્ટિયર્સને થૅન્ક યુ કહ્યું હતું.

 મતદારોને પૈસા આપવામાં આવતા હોવાની ફરિયાદ એક સોશ્યલ મીડિયા યુઝર્સે કરી હતી. તેણે લખ્યું હતું કે વરલીના પાંડુરંગ બુધકર માર્ગ પર આવેલા જૈન મંદિર પાસે કેટલાક લોકો મતદારોને કૅશ આપીને તેમની તરફેણમાં મત આપવાની લાલચ આપી રહ્યા છે. જોકે ચોક્કસ કયા પક્ષના કાર્યકરો મતદારોને કૅશ આપી રહ્યા હતા એ વિશે તેણે કોઈ ચોખવટ કરી નહોતી. પોલીસને પણ આ મેસેજ પ્રાપ્ત થતાં તેમણે એ બાબતે તપાસ શરૂ કરી હતી.

 પનવેલમાં ‍BJP અને મહા વિકાસ આઘાડીના કાર્યકરો વચ્ચે વૉર્ડ-નંબર ૧૯માં ગુજરાતી સ્કૂલમાં થઈ રહેલા મતદાન વખતે દુબાર મતદાર દ્વારા મતદાન થઈ રહ્યાનો આક્ષેપ કરાયો હતો અને એ પછી ફાટી નીકળેલા વિવાદને લઈ તેઓ બાખડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તેઓ ત્યાં દોડી ગયા હતા અને બન્ને પક્ષના કાર્યકરોને સમજાવ્યા હતા અને મામલો શાંત કર્યો હતો. જોકે આને લીધે થોડી વાર માટે મતદાન અટકી ગયું હતું.

 નવી મુંબઈની નૂતન મરાઠી સ્કૂલમાં EVM પર NOTA-નોટાનું બટન દબાવવાથી મત BJPને જતો હોવાનો આક્ષેપ ઍડ્વોકેટ સુજાતા ગુરવે કર્યો હતો. તેમણે આ બાબતે ઇલેક્શન ઑફિસરને લેખિતમાં ફરિયાદ કરી હતી જેમાં અન્ય સાત મતદારોએ સહી કરી હતી. તેમનું એમ કહેવું હતું કે તેમણે NOTA-નોટાનું બટન દબાવ્યા પછી લાઇટ BJPના મતદારની ઝબૂકતી હતી. એ પછી એ મશીન બદલી નાખવામાં આવ્યું હતું.

 ઘણા મતદારો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે જ્યારે તેમણે તેમનું નામ મતદારયાદીમાં જોવાનો અને મતદાર સ્લિપ ઑનલાઇન મેળવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્શન કમિશનની સાઇટ પર ડેટા નૉટ અવેલેબલ જોવા મળતું હતું અને એથી તેઓ મૂંઝવણમાં મુકાયા હતા.

 મોબાઇલ ફોનને લઈને પણ કેટલાંક પોલિંગ બૂથ પર જીભાજોડી થતી જોવા મળી હતી. પોલિંગ બૂથમાં મોબાઇલ ફોન લઈ જવા પર મનાઈ હતી. ૧૦૦ મીટરની અંદર મોબાઇલ લઈ જતી વખતે એ મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરીને લઈ જવા દેવાતો હતો. જોકે એમ છતાં આ મુદ્દે ચૂંટણી-કર્મચારીઓ અને મતદારો વચ્ચે ક્યાંક-ક્યાંક રકઝક થતી હોવાનું જણાઈ આવ્યું હતું.

mumbai news mumbai bmc election municipal elections maharashtra political crisis political news Chhatrapati Sambhaji Nagar maharashtra government maharashtra news