10 January, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ થવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના વડા અને વિધાનસભ્ય અમીત સાટમે બળવાખોર ઉમેદવારો અને પદાધિકારીઓ મળીને કુલ ૨૬ જણને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે તેમના સસ્પેન્શન-ઑર્ડરમાં જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં BMCની ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવારોને સહકાર ન આપવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમાં વૉર્ડ-નંબર ૬૦, વર્સોવાથી દિવ્યા ઢોલે; વૉર્ડ-નંબર ૧૭૭, માટુંગાથી નેહલ અમર શાહ; વૉર્ડ-નંબર ૨૦૫, અભ્યુદયનગરથી જાહ્નવી રાણે અને વૉર્ડ-નંબર બે, બોરીવલીનાં આસાવરી પાટીલનો સમાવેશ થાય છે.
BJPના મુંબઈના અધ્યક્ષ અમીત સાટમે જણાવ્યું હતું કે ‘સસ્પેન્ડ કરવામાં આવેલા કેટલાક લોકો BMCની ચૂંટણીમાં બળવાખોર ઉમેદવારો છે. મોટા ભાગના લોકો પક્ષની વિચારધારા અને પક્ષની લાઇન વિરુદ્ધ કામ કરી રહ્યા છે. ઘણી વિનંતીઓ અને સૂચનાઓ છતાં તેમણે મહાયુતિવિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. એથી શિસ્તભંગના પગલા તરીકે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.’
માટુંગાનાં અપક્ષ ઉમેદવાર અને BJPનાં ભૂતપૂર્વ કૉર્પોરેટર નેહલ શાહે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અમીત સાટમને પત્ર લખીને જણાવ્યું હતું કે ‘હું છેલ્લાં ૯ વર્ષથી BJP સાથે જોડાયેલી છું અને મેં પાર્ટી માટે વર્ષો સુધી કામ કર્યું છે. મેં ક્યારેય પાર્ટી કે એના ઉમેદવારને વખોડ્યા નથી અને વખોડવાની પણ નથી. હું પાર્ટીના હિતમાં હતી, છું અને રહીશ.’