03 January, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેહલ શાહ
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનાં ઉમેદવારી ફૉર્મ પાછાં ખેંચવાના છેલ્લા દિવસે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ત્રણ ગુજરાતી બંડખોર ઉમેદવારોમાંથી બે ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચી લીધાં હતાં. ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગર-રાજાવાડીના વિસ્તારોને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૩૨માંથી શોભા આશર, ઘાટકોપર-વેસ્ટના કામા લેન-ગંગાવાડીના વિસ્તારોને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૩૦માંથી પીયૂષ દાસ અને માટુંગાના વૉર્ડ-નંબર ૧૭૭માંથી નેહલ શાહે અપક્ષ ઉમેદવારી માટે ફૉર્મ ભર્યાં હતાં. જોકે શોભા આશર અને પીયૂષ દાસે ગઈ કાલે ફૉર્મ પાછાં ખેંચી લેતાં હવે ફક્ત ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહ અપક્ષ ચૂંટણી લડવાના નિર્ણય પર ટકી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, મારો નિર્ણય મારા મતદારો અને પાર્ટી બન્નેના હિતમાં લેવામાં આવ્યો છે.
ગઈ કાલે ‘મિડ-ડે’ સાથે જુસ્સાભેર વાત કરતાં નેહલ શાહે કહ્યું હતું કે ‘જે દિવસે પાર્ટીએ અમારા વિસ્તારમાંથી કોઈ નેતાના પ્રેશરમાં આવીને તેમની પત્નીને ગૃહિણીમાંથી સીધી નગરસેવિકા બનાવવા માટે તેમને ટિકિટ આપવાની જાહેરાત કરી એ જ દિવસે માટુંગામાં ફક્ત BJPના કાર્યકરોને જ નહીં, સ્થાનિક રહેવાસીઓ-મારા મતદારોને જોરદાર આઘાત લાગ્યો હતો. તેમને ડર લાગ્યો હતો કે બિનઅનુભવી વ્યક્તિ ક્યાંક છેલ્લાં ૯ વર્ષથી મેં કરેલાં કાર્યો પર પાણી ન ફેરવી દે કે એ કાર્યો ક્યાંક ધોવાઈ ન જાય. એથી જ મારા કાર્યકરો અને મતદારોએ મને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર કરી છે. પાર્ટીએ જો અનુભવી કે મજબૂત કાર્યકરને મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ આપી હોત તો હું ચોક્કસ તેને જિતાડવા માટે મેદાનમાં ઊતરી હોત; પણ એક બિનઅનુભવી મહિલાને ટિકિટ આપીને મને જ નહીં, મારા મતદારસંઘને અન્યાય કર્યો છે. એનું ફક્ત મને જ નહીં, સમગ્ર માટુંગાવાસીઓને દુઃખ છે. એથી જ તેમણે મને અપક્ષ લડવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરી છે. હું જીતીને પણ BJP સાથે નરેન્દ્ર મોદીની અને દેવેન્દ્ર ફડણવીસની વિચારધારા સાથે જ મારા વિસ્તારમાં કાર્ય કરતી રહીશ.’
જોકે ગઈ કાલે વૉર્ડ-નંબર ૧૩૦માં બંડખોર બનીને મેદાનમાં ઊતરેલા પીયૂષ દાસે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ સંદર્ભે પીયૂષ દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી બંડખોરીના સમાચાર ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ થયા પછી થોડા જ કલાકમાં મુંબઈ ભારતીય જનતા પાર્ટીના કિરીટ સોમૈયા જેવા અનેક નેતાઓના પાર્ટીના હિતમાં ઉમેદવારી પાછી ખેંચી લેવાના ફોન આવ્યા હતા. હું એક નાનો અને સામાન્ય કાર્યકર હોવા છતાં આ નેતાઓએ મને મોવડીમંડળના આદેશને માનીને મારી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની સમજણ આપી હતી. એ સિવાય ઘાટકોપર-ઈસ્ટના અમારા લોકપ્રિય વિધાનસભ્ય પરાગ શાહ અને મારા ગુરુ સમાન ઘાટકોપરના ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રકાશ મહેતા અમારા વિસ્તારના BJPના ઉમેદવાર ધર્મેશ ગિરિ અને અન્ય સિનિયર કાર્યકરો સાથે મારા ઘરે આવ્યા હતા અને મને મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો ધ્વજ લહેરાવવાનું લક્ષ્ય રાખીને મારું ફૉર્મ પાછું ખેંચવા જણાવ્યું હતું.’
પીયૂષ દાસે વધુમાં કહ્યું હતું કે ‘મારા જેવા અનેક ગ્રાઉન્ડ-લેવલ પર કામ કરનારા કાર્યકરો BJPના લક્ષ્યને પૂરું કરવા ગમ ખાઈને બેસી ગયા છે. લોકચર્ચામાં કદાચ હું પૈસા લઈને બેસી ગયો છું એવી વાત થતી હશે, પણ એની સામે હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે હું વર્ષોથી પાર્ટી માટે કામ કરું છું. અનેક વાર મને આર્થિક લાભના મોકા આવ્યા હતા, પણ મેં ક્યારેય આર્થિક લાભનો વિચાર કર્યો નથી. હું વર્ષોથી ભગવો ધ્વજ હાથમાં લઈને પાર્ટીમાં, પાર્ટી માટે, પાર્ટીનાં કામ કરતો રહ્યો છું અને અત્યારે પણ કરીશ. મારી રિંગટોનની જેમ મારા દિલમાં પણ નરેન્દ્ર મોદીની વિચારધારા વહે છે. હું તેમની જેમ જ નિષ્ઠાવાન કાર્યકર બની રહ્યો છું. નરેન્દ્ર મોદી જેમ નાના કાર્યકરમાંથી આજે દેશ-વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે એમ મારા જેવા અનેક કાર્યકરો આગળ આવવા ઝંખી રહ્યા છે એ કાર્યકરોની ઝંખનાને ઉજાગર કરીને પાર્ટી સુધી પહોંચાડવા માટે મેં અત્યારે બંડખોરી નોંધાવી હતી અને એમાં હું સફળ રહ્યો છું. અમારા ઉમેદવાર માટે પાર્ટીના આદેશ પ્રમાણે ફરીથી ઝંડો લઈને હું મેદાનમાં ઊતરવા કટિબદ્ધ હતો અને છું.’
ઘાટકોપરના વૉર્ડ-નંબર ૧૩૨માંથી ગુજરાતી મતદારોને ન્યાય મળે એવા ઉદ્દેશથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભૂતપૂર્વ નગરસેવિકા રહી ચૂકેલાં શોભા આશરે પણ ગઈ કાલે તેમનું નૉમિનેશન ફૉર્મ પાછું ખેંચીને પાર્ટીના હિતમાં પાર્ટીના ઉમેદવાર માટે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો. આ બાબતે શોભા આશરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ક્યારેય પાર્ટીની વિરુદ્ધ કામ કર્યું નથી. હું હંમેશાં પાર્ટીના હિતમાં કામ કરતી આવી છું. આ વખતે ગુજરાતી મતદારોને BJPના ગઢમાં પૂરો ન્યાય મળે એ માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ફૉર્મ ભર્યા પછી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને મહારાષ્ટ્રના લોકલાડીલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફૉર્મ પાછું ખેંચી લેવાની સલાહ આપ્યા પછી મેં ગઈ કાલે મારું ફૉર્મ પાછું ખેંચી લીધું હતું. આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નહોતો. મેં પૈસા માટે ફૉર્મ ભર્યું નહોતું કે પૈસા માટે ફૉર્મ પાછું ખેંચ્યું નથી. ફક્ત મેં મારા વરિષ્ઠ નેતાઓના આદેશને માથે ચડાવીને મારી અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, ફક્ત અને ફક્ત અત્યારના સંજોગો અને પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને. હું કાર્યકર તરીકે કામ કરતી આવી છું અને આ ચૂંટણીમાં પણ પાર્ટી માટે વરિષ્ઠ નેતાઓ જે કામ સોંપશે એ પૂરી નિષ્ઠાથી હું કરીશ.’