BMC Elections:  બીએમસી ચૂંટણી પરની સુનાવણી હજી લંબાશે, સુપ્રીમ કોર્ટે માર્ચની આ તારીખ સુધી મુલતવી રાખી

28 February, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BMC Elections: ચૂંટણી પંચના ટોચના અધિકારીઓએ જણાવ્યુ હતું કે સુનાવણી પછી પરિણામ જાહેર કરવામાં આવે ત્યારે ચૂંટણીની તૈયારીમાં ઓછામાં ઓછા 90 દિવસ લાગી શકે છે.

બીએમસીની પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ઘણા સમયથી સિવિક બોડીની એટલે કે બીએમસી ચૂંટણી (BMC Elections)ને માથે લટકતી તલવાર છે. સતત આ ચૂંટણીઓ પાછળ જ ઠેલાતી જાય છે. ઓબીસી અનામતને લગતી અરજીને કારણે પાછળ ઠેલાયેલી આ ચૂંટણીઓ હવે તો હજી લંબાશે એવું લાગી રહ્યું છે કારણકે સુપ્રીમ કોર્ટે આ મામલે ચોથી માર્ચે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.  

મહારાષ્ટ્રમાં બાકી રહેલી બીએમસીની ચૂંટણી (BMC Elections)ઓ સંબંધિત અરજીઓની સુનાવણી ફરીથી સુપ્રીમ કોર્ટમાં મુલતવી રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી 4 માર્ચના રોજ થવાની છે. ચૂંટણી પંચના ટોચના અધિકારીઓએ આ બાબતે માહિતી આપતાં જણાવ્યુ હતું કે સુનાવણી પછી પરિણામ જાહેર કરવામાં આવે ત્યારે ચૂંટણીની તૈયારીમાં ઓછામાં ઓછા 90 દિવસ લાગી શકે છે.

તો આખરે ક્યારે થશે બીએમસીની ચૂંટણીઓ?

જોકે, એ વાતને લઈને ઘણી આશંકાઓ હતી કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી (BMC Elections) ચોમાસા પહેલા થશે કે નહીં થાય. પવન શિંદે અને અન્યો લોકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વિનંતી કરવામાં આવી હતી કે ઓબીસી અનામત પર રાહુલ વાઘ અને બાકી રહેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ બને તેટલી વહેલી તકે લેવામાં આવે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ આ મામલે નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતુંકે પક્ષ એવા ચુકાદાની અપેક્ષા રાખે છે જે ટૂંક સમયમાં, કદાચ ઉનાળા સુધીમાં ચૂંટણી યોજવાની મંજૂરી આપશે.

આ અરજીઓ મંગળવારે ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ એન. કે. સિંહની બેન્ચ સમક્ષ સુનાવણી માટે રજૂ કરવામાં આવી હતી. જોકે, સવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી ન હતી. આ બેન્ચ બપોરના સત્રમાં ન્યાયિક કાર્ય માટે ઉપલબ્ધ ન હોવાને કારણે અરજદારો વતી હાજર રહેલા વકીલ દેવદત્ત પાલોડકર અને રાજ્ય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની વિનંતી કરી હતી.

કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે સુપ્રીમ કોર્ટના સ્ટેને કારણે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (BMC Elections) હજી મુલતવી છે. અરજદારોનું પ્રતિનિધિત્વ વકીલ દેવદત્ત પાલોડકર, અભય અંતુરકર અને શશિ ભૂષણ અડગાંવકર કરી રહ્યા છે, જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતા રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

BMC Elections: આ સાથે જ મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ તાત્કાલિક ચૂંટણી યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રોહિત પવારે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સંકેત આપ્યો હતો કે ચુકાદાના આધારે ચૂંટણી પ્રક્રિયામાં સમય લાગી શકે છે. હવે એવું લાગી રહ્યું છે કે જો ચુકાદો તાત્કાલિક જાહેર કરવામાં આવે તો ચોમાસા પછી તરત ચૂંટણીઓ થઈ શકે એવી શક્યતા છે. જો કે, સત્તામાં રહેલા કેટલાક લોકોએ તે પહેલાં જ ચૂંટણી યોજવાની સંભાવના અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation bmc election bharatiya janata party political news supreme court