12 March, 2025 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાંતાક્રુઝ-ઈસ્ટની નંદિની સોસાયટીના ગેટની બહારનો રૅમ્પ ખોદી નાખવામાં આવ્યો છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ લોકો સરળતાથી ચાલી શકે એ માટે નવેસરથી ફુટપાથ બનાવવાનું કામ શરૂ કર્યું છે, પરંતુ આ કામને લીધે સાંતાક્રુઝ-ઈસ્ટમાં આવેલી કેટલીક સોસાયટીઓના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલીક સોસાયટીઓ રસ્તા કરતાં ઊંચાઈએ આવેલી છે એટલે એમણે ફુટપાથમાં વાહનો ચલાવવા માટેના રૅમ્પ બનાવ્યા હતા એ BMCના કૉન્ટ્રૅક્ટરે હટાવી દીધા છે. આથી સોસાયટીના રહેવાસીઓ વાહનોની અવરજવર નથી કરી શકતા. આવી સ્થિતિમાં કોઈ ઇમર્જન્સી આવે તો જીવનું જોખમ ઊભું થયું હોવાનું સોસાયટીઓના રહેવાસીઓનું કહેવું છે.
સાંતાક્રુઝ-ઈસ્ટમાં દસમા રોડ પર આવેલી નંદિની હાઉસિંગ સોસાયટીના રહેવાસી ચંદ્રકાંત મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCએ નવી ફુટપાથ બનાવવા માટે અમારી સોસાયટીના ગેટનો રૅમ્પ તોડી નાખ્યો છે. અમારું બિલ્ડિંગ રોડ કરતાં ઊંચાઈએ છે એટલે રૅમ્પને તોડી નાખવાથી રસ્તા અને બિલ્ડિંગ વચ્ચે ગૅપ થઈ ગયો છે. ફુટપાથનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે BMCના કૉન્ટ્રૅક્ટરે રૅમ્પ બનાવી આપવાનું કહ્યું હતું. ફુટપાથનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે, પણ રૅમ્પનું કામ હજી સુધી નથી કરવામાં આવ્યું. રૅમ્પ બનાવવા વિશે અમે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ જવાબ નથી મળી રહ્યો.’
નંદિની હાઉસિંગ સોસાયટી ઉપરાંત શાંતિ કુટિર સહિત અન્ય કેટલીક સોસાયટીઓને પણ ફુટપાથના કામને લીધે વાહનો ચલાવવામાં મુશ્કેલી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.
BMCના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે ‘લોકો સરળતાથી ચાલી શકે એ માટે ફુટપાથનું કામ કરવામાં આવી રહ્યું છે. સાંતાક્રુઝમાં કેટલીક સોસાયટીના બિલ્ડિંગ અને રસ્તાની વચ્ચે મોટો ગૅપ થઈ ગયો છે. ઊંચાઈનો આ ગૅપ ઓછો કરવા માટે સોસાયટીઓએ એમની જગ્યામાં રૅમ્પ બનાવવો પડશે. જોકે કેટલીક સોસાયટીની અંદર રૅમ્પ બનાવવા માટેની જગ્યા નથી એટલે આ બાબતે વચ્ચેનો રસ્તો કાઢવામાં આવશે. બાકી ફુટપાથ પર સોસાયટી રૅમ્પ બનાવશે તો લોકોને ચાલવામાં મુશ્કેલી થશે.’