05 August, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
તાજેતરમાં વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પેવર બ્લૉક્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એણે સમગ્ર મુંબઈમાં ફુટપાથને અપગ્રેડ કરવા માટે પૅડેસ્ટ્રિયન ફર્સ્ટ ઝુંબેશ શરૂ કરી છે અને નવી ફુટપાથ માટે M-40 કૉન્ક્રીટ ફરજિયાત બનાવ્યું છે. BMC હવે ૩૨૦ કિલોમીટરની ફુટપાથ પરનું અતિક્રમણ દૂર કરવા ઝુંબેશ ચલાવશે.
BMCએ એની પૅડેસ્ટ્રિયન ફર્સ્ટ ઝુંબેશ હેઠળ અસુરક્ષિત અને હલકી ગુણવત્તાવાળી ફુટપાથ પર કાર્યવાહી શરૂ કરી છે, જેમાં તમામ નવી ફુટપાથ M-40 ગ્રેડ કૉન્ક્રીટનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. BMCએ પેવર બ્લૉક્સ અને સ્ટૅમ્પ્ડ કૉન્ક્રીટના ઉપયોગ પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો છે.
ચોમાસા દરમ્યાન વૃક્ષ તૂટી પડવાની શ્રેણીબદ્ધ જીવલેણ ઘટનાઓને પગલે આ વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં ફુટપાથના બાંધકામમાં ગંભીર ખામીઓ બહાર આવી હતી. એવું જોવા મળ્યું હતું કે રસ્તાની બાજુમાં આવેલાં વૃક્ષોની આસપાસ પેવર બ્લૉક્સ અને સ્ટૅમ્પ્ડ કૉન્ક્રીટ નાખવાથી મૂળનો વિકાસ મર્યાદિત થયો હતો, મૂળ નબળાં પડી ગયાં હતાં અને વૃક્ષની મજબૂતી નબળી પડી હતી જેને કારણે અનેક વૃક્ષો તૂટી પડ્યાં હતાં. મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેએ અધિકારીઓને રાહદારીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરતી ડાળીઓને વૈજ્ઞાનિક રીતે કાપવા, ફુટપાથમાંથી ગાબડાં અને અન્ય અવરોધ દૂર કરવા અને એ સલામત, સીમલેસ અને બધે જ સુલભ છે એની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.
પ્રથમ તબક્કો
BMC સમગ્ર મુંબઈમાં ૩૨૦ કિલોમીટરની ફુટપાથ પરથી અતિક્રમણ દૂર કરીને ફરીથી કબજો મેળવશે. વૉર્ડ-અધિકારીઓને સ્કૂલો, હૉસ્પિટલો, રેલવે અને મેટ્રો સ્ટેશનો, બસડેપો, બજારોની બહારથી ગેરકાયદે ફેરિયાઓ, ગેરકાયદે બાંધકામો અને ફુટપાથ પરથી કોઈ પણ અન્ય અવરોધ તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.