વૃક્ષોના રક્ષણની વાતો કરતી સુધરાઈની કથણી અને કરણીમાં છે જોજનોનું અંતર

25 June, 2021 04:05 PM IST  |  Mumbai | Rohit Parikh

સોસાયટીઓ વૃક્ષ ટ્રીમિંગ કરવાની પરવાનગી માગતી હોવા છતાં કોઈ ઍક્શન લેવામાં આવતી નથી. પરિણામે વૃક્ષ પડવાને લીધે લોકોને જાનનું જોખમ વધી ગયું

ગોરેગામના જવાહરનગરમાં ધરાશાયી થઈને એક ફ્લૅટની ગ્રિલ પર ટકી ગયેલું વૃક્ષ (ડાબે) ઘાટકોપરની કામા લેનમાં વાયરોથી બાંધેલાં વૃક્ષો (વચ્ચે) અને તૂટી ગયેલી કમ્પાઉન્ડની વૉલ (જમણે)

મહારાષ્ટ્ર સરકારનો પર્યાવરણ વિભાગ ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ના ‘માઝી વસુંધરા’ અભિયાન અંતર્ગત નાગરિકોને પર્યાવરણના મુદ્દાઓના પ્રભાવથી જાગૃત કરવા અને તેમને એ દિશા તરફ પ્રયાસો અને પ્રોત્સાહિત કરવા પહેલ કરીને ગ્રીનરી બચાવવા અને જતન કરવા માટેનો સંદેશો આપી રહ્યો છે. એ પહેલાં ૧૯૮૯માં મુંબઈ મહાનગરપાલિકાએ ‘આઇ લવ મુંબઈ’ અંતર્ગત ‘ગ્રીન મુંબઈ, સ્વચ્છ મુંબઈ’ના માધ્યમથી વૃક્ષારોપણ કાર્યક્રમોની શરૂઆત કરી હતી. જોકે વાસ્તવિકતા એવી છે કે આજે હજારો વૃક્ષો જોખમી અવસ્થામાં જીવી રહ્યાં છે. આમ છતાં મહાનગરપાલિકા આ મુદ્દે એકદમ સુસ્તતાપૂર્વક કાર્ય કરી રહી હોવાથી અનેક વૃક્ષો ધરાશાયી થતાં જાનહાનિ અને માલહાનિના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે.

મુંબઈમાં એક મહિના પહેલાં ફૂંકાયેલા તાઉ-તે વાવાઝોડાને કારણે મૂળિયાંમાંથી નબળાં પડી ગયેલાં વૃક્ષોને કારણે ઘાટકોપરમાં ગુરુવારે એક સોસાયટીની કમ્પાઉન્ડ વૉલ તૂટી ગઈ હતી. આ સોસાયટીનાં છ વૃક્ષો આજે પણ બાજુની સોસાયટી માટે જોખમી હોવા છતાં એમને ટ્રિમિંગની પરવાનગી મળતી નથી. આવાં જ કારણોસર ૧૬ જૂને ગોરેગામમાં એક સોસાયટીનું ૪૦ વર્ષ જૂનું વૃક્ષ સામેની એક સોસાયટીના ફ્લૅટ પર ધરાશાયી થતાં એ ઘરમાં રહેતો પરિવાર આબાદ બચી ગયો હતો. આ બન્ને બનાવોમાં મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકાએ ટ્રિમિંગની પરમિશન આપી નહોતી. એને પરિણામે આ વૃક્ષો અન્ય લોકો માટે જોખમી બની ગયાં હતાં.

ગોરેગામમાં વૃક્ષ ધરાશાયી થવાની માહિતી આપતાં જવાહરનગરની ખુશ પ્રેસ્ટિજ સોસાયટીના રહેવાસી અને જેના પરિવારના સભ્યો વૃક્ષ ધરાશાયી થતાં બચી ગયા હતા એ લાલુ સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીની સામે આવેલી રામચરણ સોસાયટીનું એક વૃક્ષ વાવાઝોડાના દિવસે મૂળિયાંમાંથી ઊખડી ગયું હતું. એને પરિણામે એ સોસાયટીએ અને અમારી સોસાયટીએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી, પરંતુ મહાનગરપાલિકાના હોતા હૈ, ચલતા હૈ કારોબારને લીધે ૧૬ જૂને આ વૃક્ષ ધરાશાયી થઈને મારી રૂમની ગ્રિલ પર આવીને અટકી ગયું હતું. એને કારણે મારી ગ્રિલને નુકસાન થયું હતું. મારી મમ્મી, મારી પત્ની અને મારાં બાળકો ત્યાં બેઠાં હતાં, પણ ગ્રિલ હોવાથી બચી ગયાં હતાં. આ વૃક્ષ ધરાશાયી થતાં જાણે ધરતીકંપનો આંચકો આવ્યો હોય એવી ફીલિંગ મારા પરિવારને થઈ હતી અને બધા ખૂબ જ ગભરાઈ ગયા હતા. અમે આ બાબતની મહાનગરપાલિકામાં અને પોલીસમાં અને ફરિયાદ નોંધાવી છે.’

મહાનગરપાલિકામાં સતત ફરિયાદો કરવા છતાં અને એક મહિનાથી વધુ સમય વીતવા છતાં મહાનગરપાલિકાના સંબંધિત ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી એમ જણાવીને રામચરણ સોસાયટીના સેક્રેટરી સમીર વરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીનું બ્લૅકબેરી ટ્રી ૪૦ વર્ષ જૂનું છે. છ મહિના પહેલાં આ વૃક્ષ જોખમી લાગતાં અમે એનું ટ્રિમિંગ કરાવી લીધું હતું. જોકે મુંબઈમાં એક મહિના પહેલાં ફૂંકાયેલા તાઉ-તે વાવાઝોડાને કારણે આ વૃક્ષ અત્યંત જોખમી બની ગયું હતું. અમારી પાસે આવેલા મહાનગરપાલિકાના અધિકારીઓને અમે સતત કહ્યું હતું કે આ વૃક્ષ કોઈ જાનહાનિ કે માલહાનિ કરી શકે છે. આમ છતાં તેમણે આ મુદ્દે લક્ષ આપ્યું નહીં. એને પરિણામે ૧૬ જૂને રાતના આ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. એને કારણે અમારી સામેની સોસાયટીમાં એક ફ્લૅટની નુકસાન થયું હતું.’ 

ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં આવેલી સિદ્ધિ સોસાયટીના પદાધિકારીઓએ તો ૨૦૧૯થી તેમની સોસાયટીમાં જોખમી બની ગયેલાં વૃક્ષોને ટ્રિમિંગ કરવા કે એને બચાવવા માટે મહાનગરપાલિકામાં લેખિત ફરિયાદ કરી છે. આ સંદર્ભમાં આ સોસાયટીના કમિટી મેમ્બર રાજુ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીની આસપાસ અને સોસાયટીમાં વર્ષો જૂનાં વિવિધ પ્રકારનાં વૃક્ષો આવેલાં છે. જોકે આ વૃક્ષો ઘણાં વર્ષોથી મૂળિયાંમાંથી નબળાં પડી ગયાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈને અન્ય લોકો માટે કે અમારી સોસાયટીના સભ્યો માટે જોખમી બની શકે છે. અમે ફોટો સાથે અનેક વાર મહાનગરપાલિકામાં લેખિત ફરિયાદ આપી છે. બેથી ત્રણ વાર તો ફોટો સાથે વૃક્ષોના નંબર લખીને આપ્યા છે. અમે અત્યારે આ વૃક્ષોને વાયરોથી બાંધીને રાખ્યાં છે. આમ છતાં ગુરુવારે આ વૃક્ષોના વિસ્તરી રહેલાં મૂળિયાંને લીધે અમારી કમ્પાઉન્ડ વૉલ તૂટી ગઈ હતી. નસીબજોગે એ સમયે અમારી ગલીમાં કોઈની અવરજવર નહોતી. આ વૃક્ષો ગમે ત્યારે બાજુની સોસાયટી માટે પણ જોખમી બની શકે છે, પરંતુ સત્તા આગળ શાણપણ નકામું છે.’

સુધરાઈનું શું કહેવું છે?

સુધરાઈના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ ગાર્ડન્સ જિતેન્દ્ર પરદેશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારની માઝી વસુંધરા યોજનાને સાર્થક કરવા અમે જનતાની સાથે છીએ. અમારી કોશિશ વૃક્ષોને બચાવવાની અને એમનું જતન કરવાની છે. આમ છતાં પ્રાઇવેટ પ્રૉપર્ટી કે સોસાયટીથી ફી ભરવામાં વિલંબ થાય તો એવા લોકો અમારો સંપર્ક કરીને ફી ભરી લેશે તો સમયસર વૃક્ષોનું ટ્રિમિંગ થઈ જશે. મુંબઈમાં ઘણાં વૃક્ષો ટ્રિમિંગ વગરનાં છે. આવી સોસાયટીઓને અને પ્રૉપર્ટીના માલિકોને એક જ વિનંતી છે કે સુધરાઈનો સંપર્ક કરીને આ કામ કરાવી લેવું. જો કોઈ ન સાંભળે તો ઉપરીને ફરિયાદ કરીને પણ ટ્રિમિંગનું કામ કરાવી લેવું.’

mumbai mumbai news goregaon ghatkopar rohit parikh