26 August, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરઃ શાદાબ ખાન
BMCના રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોને પગપાળા જઈને નિરીક્ષણ કરવાનો આદેશ : ગણપતિદાદાની મૂર્તિનું જે માર્ગ પરથી આગમન અને વિસર્જન થવાનું છે એની સપાટી સમથળ હોય, ખાડા ન હોય અને સ્પીડ-બ્રેકર ન હોય એની ખાતરી કરવાનો નિર્દેશ
ગણેશોત્સવને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોને તેમના સંબંધિત વૉર્ડમાં શોભાયાત્રાના મુખ્ય માર્ગોનું પગપાળા નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે. રોડની સપાટી સમથળ હોય, ખાડા ઓછા હોય અને કોઈ સ્પીડ-બ્રેકર ન હોય જેથી મોટી મૂર્તિઓ લઈ જતાં વાહનોને અડચણ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
સોમવારે મહારાષ્ટ્રના કલ્ચરલ મિનિસ્ટર અને મુંબઈ સબર્બના પાલક પ્રધાન આશિષ શેલારે BMCને ૨૪ કલાકની અંદર તમામ મૂર્તિના રૂટનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગઈ કાલે એક વરિષ્ઠ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૧૦ દિવસના ઉત્સવની મુખ્ય તૈયારીઓના ભાગરૂપે રોડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી છે. આગમન અને વિસર્જન માટે ઉપયોગમાં લેવાતા તમામ રૂટનું દરેક વૉર્ડના માર્ગ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.’
ભુલેશ્વરચા રાજાની મૂર્તિ પડી જવાની દુર્ઘટના બાદ રહેવાસી જયેશ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રસ્તાની સપાટી જુઓ. કોઈ કેવી રીતે ખાતરી કરી શકે કે આ રસ્તા પરથી પસાર થતી વખતે મૂર્તિ જ્યાં નમેલી અને પડી એ સ્થળની નજીક એક મોટો ખાડો BMCએ આ પૅચ કેમ ઠીક ન કર્યો?’
કલ્ચરલ મિનિસ્ટર આશિષ શેલારે BMCને ૨૪ કલાકની અંદર તમામ મૂર્તિ રૂટનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
૨૪ ઑગસ્ટ સુધી શહેરમાં ખાડાની નોંધાયેલી ફરિયાદ
૨૪ ઑગસ્ટ - ૧૩૫
શનિવાર સુધી નોંધાયેલી ફરિયાદ - ૪૧૪
શનિવાર સુધી થયેલું ફરિયાદોનું નિરાકરણ - ૩૩૮
ફરિયાદો બાકી - ૨૩૫
- સાર્થક મહેતા