13 September, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણપતિ વિસર્જન
પ્લાસ્ટર ઑફ પૅરિસની મોટી ગણેશમૂર્તિઓનું વિસર્જન દરિયામાં કરવામાં આવે છે. ત્યાર બાદ દરિયાકિનારે કેવાં દૃશ્યો જોવા મળે છે એ આપણે જાણીએ છીએ. જોકે આ વર્ષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાને પગલે દરિયાકિનારે ગણેશમૂર્તિઓ અને એમના તૂટેલા અવશેષોનું દૃશ્ય કદાચ નહીં દેખાય. BMC દ્વારા પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની વિસર્જિત કરવામાં આવેલી મૂર્તિઓને ૨૪ કલાકમાં એકઠી કરીને એમને સાયન્ટિફિક પ્રોસેસ માટે મોકલીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય એ યોગ્ય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૪ સપ્ટેમ્બરે BMCના ઘનકચરા (સૉલિડ વેસ્ટ) ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) મુજબ કૃત્રિમ તળાવો, તાત્પૂરતી બનાવવામાં આવેલી પાણીની ટાંકીઓ તથા અન્ય જળાશયોમાં વિસર્જિત કરવામાં આવતી ગણેશમૂર્તિઓને ૨૪ કલાકમાં પાછી મેળવીને એમને પ્રોસેસિંગ માટે મુલુંડમાં ખાસ ઊભી કરવામાં આવેલી ફૅસિલિટીમાં મોકલવામાં આવવામાં આવશે.
મિનિમમ પૉલ્યુશનનો ઉદ્દેશ
ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાય એ માટે ૨૮૫૦ ટન ગણેશમૂર્તિઓનું વિભાજન કરીને એમને સાયન્ટિફિક પ્રોસેસિંગ માટે મોકલવામાં આવશે.
એ મટીરિયલ ફરીથી ઉપયોગમાં લઈ શકાય એમ હોવાથી ભવિષ્યમાં ઓછું PoP વપરાશે તથા પર્યાવરણને થતું નુકસાન પણ ઘટશે. PoP ઉપરાંત અન્ય મટીરિયલથી બનેલી ગણેશમૂર્તિઓને પણ પ્રોસેસિંગમાં મોકલીને રીયુઝ કરી શકાય એ યોગ્ય બનાવવામાં આવશે.
મોટી મૂર્તિઓ માટે ઉપયોગમાં લેવાશે ક્રેન, વિડિયો-રેકૉર્ડિંગ પણ થશે
BMCની યોજના મુજબ નાની ગણેશમૂર્તિઓને મૅન્યુઅલી કાઢવામાં આવશે, જ્યારે કદમાં મોટી હોય એવી ગણેશપ્રતિમાઓને જળાશયમાંથી બહાર કાઢવા માટે ક્રેન તથા મેકૅનાઇઝ્ડ લિફ્ટનો ઉપયોગ કરવામાં આવશે.
આ બધી જ બાબતોનો રેકૉર્ડ વૉર્ડ મુજબ સાચવવામાં આવશે અને આખી પ્રક્રિયાનું વિડિયો-રેકૉર્ડિંગ અને
ફોટો-રેકૉર્ડિંગ પણ કરવામાં આવશે. ૨૮૫૦ ટનની PoPની મૂર્તિઓને પ્રોસેસ કરવા માટે ટેક્નૉલૉજી એજન્સીઓ પાસેથી એક્સ્પ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EOI) પણ ઇન્વાઇટ કરવામાં આવ્યો છે.
પ્રોસેસિંગ બાદ આ રીતે કામમાં આવશે PoP
પ્રોસેસ બાદ રીયુઝ કરી શકાય એવું PoP ફરીથી ગણેશમૂર્તિઓ બનાવવા ઉપરાંત અન્ય વસ્તુઓ બનાવવા માટે પણ કામ લાગશે. એનાથી પ્લાસ્ટર બોર્ડ, સિરૅમિક્સ, મેડિકલ પ્લાસ્ટર જેવી વસ્તુઓ બનાવી શકાશે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઈંટ તથા ફિલ્ટર મટીરિયલ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
લાલબાગચા રાજામાં રોજ ભગા થનારા ૮-૧૦ ટન કચરામાંથી વીજળી બનશે
આ વખતે ઓછામાં ઓછું પ્રદૂષણ થાય એ માટે BMC દ્વારા બધા જ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય એવું જણાય છે અને એ માટે તેમણે લાલબાગચા રાજાના ગણેશમંડળ સાથે પણ હાથ મેળવ્યા છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સાથે મળીને બચી ગયેલા ભોજન-પ્રસાદ તથા અન્ય ઑર્ગેનિક કચરાને ભેગો કરીને BMC એનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટી તૈયાર કરવા માટે કરશે. ૧૨ દિવસમાં આશરે ૮૦ ટન ઑર્ગેનિક કચરો ભેગો થાય એવું અનુમાન છે અને એનાથી ૭૭૪૪ યુનિટ ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં આવશે. એનો ઉપયોગ હૉસ્પિટલના વૉર્ડ, કૉરિડોર અને કૉમન એરિયાને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવા માટે કરવામાં આવશે. લાલબાગચા રાજાના અન્નક્ષેત્ર અને પ્રસાદકક્ષમાંથી દરરોજ આઠથી ૧૦ ટન ભીનો કચરો ભેગો થાય એવું અનુમાન છે.