રસ્તા પર પૂરની સમસ્યાને રોકવા માટે સુધરાઈ બના‍વશે પાણી શોષી લેતા ખાડા

08 August, 2022 12:04 PM IST  |  Mumbai | Sameer Surve

સુધરાઈ આગામી વર્ષોમાં તમામ રસ્તાઓને સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવા માગે છે ત્યારે પાણીને શોષી લેતા આ પિટ ભૂગર્ભ જળને રીચાર્જ કરવામાં પણ મદદ કરશે

૧૨ જુલાઈએ વડાલા બ્રિજ નજીક ભરાયેલા પાણીમાં ઊભાં રહેલાં વાહનો (તસવીર : શાદાબ ખાન)

સુધરાઈ આગામી વર્ષોમાં રસ્તા પર પડતા ખાડાની સમસ્યાને દૂર કરવા માટે તમામ રસ્તાને સિમેન્ટ-કૉ​ન્ક્રીટના બનાવવા માગે છે. એણે વરસાદ દરમ્યાન પાણીનો ભરાવો ઘટાડવા માટે રસ્તા પર પાણીને શોષી લેતા ખાડા બાંધવાની યોજના બનાવી છે. આ ખાડાને લીધે વરસાદના પાણીના નિકાલ માટે બનાવેલી ગટરોનો ભાર હળવો થશે તેમ જ ભૂગર્ભ જળ રીચાર્જ કરવામાં પણ મદદ થશે.

સુધરાઈએ ૪૦૦ કિલોમીટર ડામરના રસ્તાઓને કૉન્ક્રીટના બનાવવા માટે ટેન્ડરો મગાવ્યાં છે. પાણી શોષી લેતા ખાડાઓ રોડને કૉન્ક્રીટમાં પરિવર્તિત કરતા હોય ત્યારે જ બનાવવામાં આવશે. સુધરાઈના અધિકારીએ કહ્યું હતું કે ‘પહેલી વખત સુધરાઈએ પાણી શોષી લેતા ખાડા રસ્તાઓ પર બનાવવાનો નિર્ણય લીધો છે. એને લીધે ભૂગર્ભ જળના સ્તરમાં પણ વધારો થશે.’

કૉર્પોરેશનના રોડ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ​ચીફ એન્જિનિયર ચંદ્રકાંત મેટકરે કહ્યું હતું કે ‘ખાડાઓનું આયોજન સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને ચોક્કસ સ્થળ અથવા તે વિસ્તારમાં પૂરની સમસ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. રસ્તાઓની ડિઝાઇન ફાઇનલ કર્યા બાદ ખાડાઓ વિશે ચોક્કસ વિગતો જાણી શકાશે. બે ખાડા વચ્ચેનું અંતર ૩૦૦થી ૩૫૦ મીટરનું હશે. કન્સલ્ટન્ટ આ ખાડાઓ ડિઝાઇન કરવા માટેનું ચોક્કસ અંતર તેમ જ અન્ય ધારાધોરણો નક્કી કરશે.’

વરસાદના પાણીનો સંગ્રહ કરવાના નિષ્ણાત સંદીપ અધ્યાપકે કહ્યું હતું કે ‘જો ખાડાઓની ઊંડાઈ બેથી ત્રણ ફુટ રાખવામાં આવે તો એ ઉપયોગી થશે નહીં. જો યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો આ પગલું પાણીનો ભરાવો ઘટાડવામાં મદદ કરશે. હાલ મુંબઈમાં કેટલાંક સ્થળોએ લોકો ભૂગર્ભજળ માટે ૫૦૦ ફુટ સુધી ખોદકામ કરે છે, પરંતુ જો વિચાર યોગ્ય રીતે અમલમાં નહીં આવે તો લોકોના પૈસાનો બગાડ થશે.’

386 
મુંબઈમાં આટલાં સ્થળોએ પાણી ભરાય છે.

282
સુધરાઈના જણાવ્યા પ્રમાણે આ સ્થળોએ પૂરનિયંત્રણ માટે કાર્યવાહી કરવામાં આવી છે.

477
શહેરમાં પાણીના નિકાલ માટે આટલા પમ્પ બેસાડવામાં આવ્યા છે, જેની કિંમત ૨૫ કરોડ રૂપિયા છે. 
 

mumbai mumbai news mumbai rains mumbai monsoon brihanmumbai municipal corporation